________________
૨૭૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૨)
આનંદશંકર અવિકૃત આત્મતત્વનો સ્વીકાર કરે છે. અજ્ઞાનથી ખંડિત થયેલ ચૈતન્યનો ઈન્કાર કરી અખંડ ચૈતન્યનો સ્વીકાર કરે છે. આ અખંડ ચૈતન્ય વાસ્તવિક છે એટલું જ નહીં તેની અનુભૂતિ પણ શક્ય છે. આ અનુભૂતિ જ્ઞાનાત્મક અને અસ્તિત્વલક્ષી છે. ત્યાં
અસ્તિ’ અને ‘ભાતિ' બન્ને એકરૂપ છે. જીવભાવ કે અવિદ્યાને કારણે “અસ્તિ' અને ‘ભાતિ'નું યોગ્ય સ્વરૂપ જોઈ શકાતું કે અનુભવી શકાતું નથી. આમ, આનંદશંકર એવો મત ધરાવે છે કે, જીવનું જીવપણું એનું જ નામાંતર અવિદ્યા છે અને આ અવિદ્યાનું પ્રતીત થવું એમાં જ જીવનું જીવપણું છે. અર્થાત્ બન્ને સહઅસ્તિત્વ ધરાવતા અને સહવર્તી છે. આ જીવદૃષ્ટિ એ જ જગતદષ્ટિ-વ્યવહારિક જગત અને તેના અનુભવો- છે. આમ જગતવ્યવહારિકતા આ સંદર્ભમાં મનજનિત કે જીવજનિત છે. આમ જગત-વ્યવહારિક જગતજીવ કે અવિદ્યાને કારણે અસ્તિત્વ ધરાવે છે. જગતની વાસ્તવિકતા આ સંદર્ભમાં મનજનિત કે જીવજનિત છે. તેનું મુખ્ય કેન્દ્ર વ્યક્તિતા છે. આ વ્યક્તિતા કેવી રીતે ઊભી થઈ તેનો ઉત્તર એ છે કે તે “અનાદિ છે.
પ્રશ્ન એ છે કે આ અર્થઘટન છે કે વાસ્તવિકતા છે? જો એ અર્થઘટન હોય તો તેનું બંધારણ કે માળખું, તેમજ કાર્ય સમજાવી શકાય. અને તે આનંદશંકર સમજાવે પણ છે. પરંતુ જો તે વાસ્તવિકતા હોય તો આ વાસ્તવિકતાનું સ્વરૂપ કયા પ્રકારનું છે? એવો પ્રશ્ન ચોક્કસ થાય. હવે જો આપણે આ જગતને વાસ્તવિક માનીએ તો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તેની વસ્તુતા કઈ રીતે ઊભી થઈ ? આ પ્રશ્નનો જવાબ કેવળ વાસ્તવિકતા છે જ નહીં, એ રીતે આપી શકાય નહીં. કારણ વાસ્તવિકતા કઈ રીતે સર્જાય છે ? વસ્તુતંત્ર (object world) કઈ રીતે ઊભું થાય છે? તે પ્રશ્નનો જવાબ આનંદશંકર આપી શકતા નથી. આમ વસ્તુતંત્ર કેવી રીતે અનુભવાય છે તેનો જવાબ આનંદશંકર ચોક્કસ આપે છે, પરંતુ વસ્તુતંત્ર કઈ રીતે ઊભું થાય છે તેનો જવાબ તેમના ચિંતનમાં પ્રાપ્ત થતો નથી. શાંકરવેદાંતની પરંપરા અનુસાર જીવભાવમાંથી મુક્તિ માટે નિત્ય અને અનિત્યનો વિવેક આવશ્યક છે. આ વિવેક સાથે વૈરાગ્ય જોડાવું જોઈએ. આ માટે શમદમાદિ સાધનસંપત્તિ દ્વારા વિવેક અને વૈરાગ્યને અનુસરતું આચરણ થાય અને મુમુક્ષુત્વનો ભાવ પ્રાપ્ત થાય ત્યારે જીવ બ્રહ્મરૂપ બની, આત્મા બ્રહ્મની સર્વાત્મકતાથી દીપ્તિમાન બને. આ વિચારની દૃષ્ટિએ આનંદશંકર પશ્ચિમના ચિંતનની સમજૂતી આપે છે. અને એમ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે કે, પાશ્ચાત્ય તત્ત્વચિંતનની વિચારની ભૂમિકાઓ નિત્યાનિત્યવહુવિવેક અને આત્મ-અનાત્મવિવેકની દષ્ટિથી સમજાવી શકાય. આનંદશંકરનો આ એક પ્રશસ્ય પ્રયત્ન છે. તેમાં ભારતીય માનસ પોતાની રીતે પશ્ચિમને સમજવા અને સમજાવવા ઈચ્છે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org