________________
આનંદશંકરના ચિંતનનું વિવેચન
ભારતીય દર્શનનો આનંદશંકરે દર્શાવેલો ચિંતનક્રમ વિશેષ વિચાર માગી લે છે. એમના મતે ભારતીય બૌદ્ધિક ચિંતનનો આરંભ શ્રુતિથી થયો. આ શ્રુતિની અસર નીચે જ સાંખ્યયોગ વિકસ્યા અને ન્યાયદર્શનમાં તર્કપ્રધાનતાને સ્થાન મળ્યું. પરંતુ સાંખ્ય-યોગ અને ન્યાય-વૈશેષિકમાં ઉદ્ભવતી તાત્ત્વિક મુશ્કેલીઓના ખુલાસા માટે શ્રુતિ આધારિત વેદાંતદર્શન પ્રાપ્ત થયું. શ્રુતિમાં પડેલા વિચારબીજો વેદાંતમાં વૈચારિક પરિપક્વતાને પ્રાપ્ત થયાં એવું આનંદશંકર માને છે. આમ આનંદશંકરના મતે ભારતીય ચિંતનની પરિસમાપ્તિ નિઃશંકપણે વેદાંતદર્શનમાં પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન એ છે કે આ પ્રકારનો વિચારક્રમ વિચારની ગતિને નક્કી કરે છે એટલું જ નહિ પરંતુ તેના હેતુને પણ નક્કી કરે છે, અને તેનું વૈચારિક પ્રક્ષેપણ કરે છે. આ પ્રકારનો વિચારક્રમ એ એક પ્રકારની શ્રેણીરચના છે, જે મૂળમાં વિચાર સ્વાતંત્ર્યને ઈન્કારે છે. વિચાર વૈવિધ્યને ગૌણ તેમજ નિમ્નવર્તી માને છે. વેદાંતદર્શનમાં પરિસમાપ્ત આ પ્રકારની વિચારશ્રેણીની રચના એ વિચાર અને વિચારસામર્થ્ય બન્નેનું વિગલન કરે છે. આવો પ્રયત્ન ભારતીય ચિંતનમાં પ્રસ્થાપિત થયેલ પરસ્પરના ખંડન-મંડન વ્યાપારનું સૂક્ષ્મ રીતે અને સલૂકાઈથી નિરસન કરે છે. ભારતીય વિચાર પરંપરાની જીવંતતા તેના સક્રિય વાર્તાલાપોમાં છે. પરંતુ આ વિચારશ્રેણીની રચના, આ વાર્તાલાપોની શકયતાનો ઈન્કાર કરે છે. સાચી વિચારમુક્તિ માટે એ જરૂરી છે કે પરસ્પરના વિચારોના આદાન-પ્રદાન માટેની મુક્તતા કે સ્વતંત્રતા, વૈચારિક રીતે વિચારની આડશમાં છીનવાઈ ન જાય અને પરસ્પરના વૈચારિક સામર્થ્યને નાણીને પોતાની વિચાર પરંપરાને વધુ પરિષ્કૃત અને પુષ્ટ બનાવે. ચિંતનના વિકાસ માટે વિચાર સ્વાતંત્ર્યનો સ્વીકાર ભારતીય ચિંતન પરંપરાની સાચી ઓળખ માટે અનિવાર્ય છે. આપણે અહીં નમ્રપણે કહેવું જોઈએ કે આનંદશંકરનો વેદાંતદર્શન પ્રત્યેનો વૈચારિક અનુગ્રહ ભારતીય વિચાર સ્વાતંત્ર્યને ઝંખવાણું પાડવા માટે જવાબદાર બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org