________________
સાહિત્યચિંતન
૨૭૩
(૪) માત્ર કૃતિના સૂક્ષ્મસ્વરૂપને ઊંડાણથી સમજવાનો યત્ન કરવો. (૫) સ્વાનુભવરસિક વિવેચન જેમાં નિજાનંદ માટે જ સાહિત્યકૃતિનું નિરીક્ષણ કરવું.
આમ અનેક રીતે વિવેચન થઈ શકે છે. આમ છતાં આનંદશંકરને અભિપ્રેત એવો વિવેચક તત્ત્વાભિનિવેશી હોવો જોઈએ. સાહિત્ય અને રાષ્ટ્રઃ
જીવનના સનાતન સત્યો પ્રકટ કરવાં એ જેમ કવિકર્મ છે, એવી જ રીતે પ્રજાની ભાવનાઓ અને આકાંક્ષાઓને વાણી આપવી એ પણ કવિકર્મ છે. ફ્રેન્ચ ઈતિહાસકાર ટેઈન કહે છે કે કોઈ પણ કવિ કઈ પ્રજાનો છે (race) એનો યુગ કયો છે (epoch) અને એની પરિસ્થિતિ શી છે (surroundings), એ કહો, એટલે એની કવિતાનું સ્વરૂપ હું તમને ભાખી આપીશ. સાચી હકીકત તો એ છે કે યુગને દષ્ટા અને ગ્રષ્ટા-યુગપ્રકાશક અને યુગપ્રવર્તક એવા કવિની જરૂર છે. યુગને આત્મદર્શન કરાવનાર કવિ જોઈએ છે. કવિ જ જીવનની સમાલોચના કરી તેને વિશુદ્ધ બનાવે છે. પરંતુ સાહિત્ય જનસમાજની સેવા અર્થે રચાયેલી કૃતિઓ નથી. આથી એની કિંમત જનસમાજને થતા લાભ પૂરતી આંકવી ન જોઈએ. સંસારને ડાહ્યો કરવો એ સાહિત્યકારનું મુખ્ય કર્તવ્ય નથી, પણ એ આનુષંગિક લાભ છે. રાષ્ટ્રીય લાભાલાભના ધોરણે સાહિત્ય કે કવિતાની મુલવણી થઈ શકે નહીં. કવિનું કવિત્વ નિઃશંકપણે રાષ્ટ્રીયત્વથી સ્વતંત્ર છે. આમ છતાં તે રાષ્ટ્રીયતને ઉપકારક છે. રાષ્ટ્રના દેહના પુનર્ધટન માટે રાષ્ટ્રના જરઠ આત્માને નવપલ્લવિત કરવો, તેનામાં ચૈતન્યનો સંચાર કરવો એ કવિ સારી રીતે કરી શકે છે. કવિ આપણા જીવનમાં નિઃશબ્દ ઉન્નતિ કરે છે.
કવિ જેમ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની ઉન્નતિ માટે નિશબ્દ પ્રયાસ કરે છે તેમ રાષ્ટ્રજીવન પણ સાહિત્ય માટે ઉપકારક છે. કારણ આનંદશંકરના મતે “ઉભય એક જ મનુષ્ય-આત્મામાં અને એક જ જનસમાજમાં ઊગતાં અને પ્રસરતાં હોઈ, તેઓનો આવો આત્તર અને નિકટ સંબંધ છે- આટલું નિર્વિવાદ સ્વીકારવું જોઈએ.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૭૦)
પરંતુ આનંદશંકર કેવળ રાષ્ટ્રપ્રેમ માટે જ કવિતા હોવી જોઈએ એવું સ્વીકારતા નથી. તેનાં કારણો આનંદશંકર નીચે પ્રમાણે આપે છે : (૧) પ્રશ્ન એ છે કે સર્વોચ્ચ સ્થાને વિરાજતી કવિતાને દુન્યવી વળગણોમાં કેમ બાંધી શકાય? (૨) રાષ્ટ્રભાવનાથી મંડિત હોય તે જ સાહિત્યકૃતિ એમ સ્વીકારી શકાય નહીં. વાસ્તવમાં
સ્વતંત્ર રીતે પણ કૃતિને કૃતિ તરીકે જોવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org