________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૫૭
(૫) સમગ્ર હિંદુધર્મના સારરૂપ ચિંતન :
ભાષાયુગ દરમ્યાન પૂર્વોક્ત સિદ્ધાંતો હિંદુધર્મમાં નવા દાખલ થયેલા છે એમ આનંદશંકર કહેવા માગતા નથી. હિંદુધર્મમાં આ સિદ્ધાંતો પ્રથમથી હતા જ, પરંતુ આનંદશંકરના મતે ભાષાયુગની વિશેષતા એ છે કે સર્વ સિદ્ધાંતો જેવા કે, ભાગવત ધર્મ અને અદ્વૈતસિદ્ધાંત, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ એ સર્વ તત્ત્વો એકઠાં મળીને સારરૂપે આ ભાષાયુગમાં પ્રગટ થયાં છે. આ સંદર્ભમાં ભાષાયુગનું મહત્ત્વ પ્રમાણતાં આનંદશંકર કહે છે : “એણે બ્રાહ્મણ (સ્માર્ત) - ધર્મની વર્ણાશ્રમવ્યવસ્થાને અને એના કર્મભાગને લુપ્ત કર્યા નથી, પણ માત્ર એનાં સૂકાં પાંદડાંને ખંખેરી નાખ્યાં છે અને એના જર્જરિત થડમાં નવો જીવનરસ પ્રેર્યો છે.” (ધર્મવિચાર-૨, પૃ. ૨૩૭).
આમ, ભાષાયુગ હિંદુ ધર્મના વિરોધમાં આવ્યો નથી. પરંતુ પૂર્વે જેમ, ઔપનિષદધર્મ, ભાગવતધર્મ, જૈન-બૌદ્ધ ધર્મ વગેરે ધર્મો જે દષ્ટિએ આવ્યા હતા તે જ રીતે ભાષાયુગ પણ હિંદુધર્મને વધુ મજબૂત અને ચેતનવંતો બનાવે છે.
આ ભાષાયુગના મુખ્ય પ્રવર્તક સંત સાધુઓ છે. જેમના વર્ગમાં સર્વ વર્ણ, અને પુરુષો તેમજ સ્ત્રીઓ, જોવા મળે છે. તેમનો મુખ્ય ઉદેશ કોઈ ધર્મગ્રંથ રચવાનો નહોતો. આખા જનસમાજ માટે ધર્મની શી વ્યવસ્થા કરવી એ એમનું ચિંતન ન હતું. માત્ર તેઓ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના ઉદ્ગારોથી સમગ્ર જનમંડળનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરતાં હતા. તેઓનો સમય બહુ નિકટ હોવાથી, તેમજ તેમના ઉપદેશમાં ‘ભાષા' (બોલચાલની કે વ્યવહારની ભાષા)નું પ્રાધાન્ય હોવાથી તેમનું સાહિત્ય ભજનરૂપે સમગ્ર દેશમાં ફેલાયેલું જોવા મળે છે. આ સંતોની હિંદુધર્મ ઉપર ઘણી પ્રબળ અસર રહેલી છે એમ આનંદશંકર માને છે. તેમના મતે ભાષાયુગમાં દેશનું ધાર્મિક ચૈતન્ય આ સંતોએ જ જાળવી રાખ્યું છે. જો કે પ્રાચીનકાળમાં આપણે ત્યાં ખાસ કરીને સ્માર્ત ધર્મની આસપાસ આવો પ્રયાસ જોવા મળે છે. પણ આ પ્રયાસમાં જૈનબૌદ્ધ ધર્મ સિવાય આવું સંત સાહિત્ય પ્રચલિત થઈ શક્યું નથી.
ભાષાયુગના સંતોને આનંદશંકર બે વર્ગમાં વહેંચે છે. એક જ્ઞાનપ્રધાન સંત વર્ગ, જે બહુધા શંકરાચાર્યના ઉપદેશને સહજ રૂપાંતરિત કરી જ્ઞાનનો ઉપદેશ કરે છે, અને, બીજો ભક્તિપ્રધાન સંતવર્ગ કે જે, રામાનુજાચાર્યના દર્શનને અનુસરી રામ, કૃષ્ણ, વિઠ્ઠલ આદિ વિવિધ નામે પ્રભુને ભજીને ભક્તિરસ વહેતો રાખે છે. આ બંને વર્ગના મુખ્ય સંતો જેવા કે રામાનંદ, કબીરજી, નાનક શાહ, તુલસીદાસ, સુરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા, મહારાષ્ટ્રના સંતોઃ જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, રામદાસ વગેરેના ઉપદેશ અને જીવન-કવન અંગે આનંદશંકરે ટૂંકમાં દિગ્દર્શન કરાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. (જુઓ ધર્મવિચાર-૨, પૃ.૨૩૯ થી ૨૪૬).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org