________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
જોકે આટલું હોવા છતાં બંનેની નિરૂપણ પદ્ધતિમાં ઘણો તફાવત રહેલો છે : (૧) મણિલાલમાં સિદ્ધાંત સ્થાપનામાં એક પ્રકારનું આગ્રહપણું જોવા મળે છે. તેની
સરખામણીએ આનંદશંકરની પ્રકૃતિ સ્વસ્થ, સૌમ્ય અને તેથી તટસ્થ હોવાને કારણે
સિદ્ધાંત સ્થાપનામાં આનંદશંકરનું દૃષ્ટિબિંદુ સમન્વયકારી જોવા મળે છે. (૨) મણિલાલ પોતાના મતના સમર્થનમાં ક્યારેક અપ્રસ્તુતતાનો પણ આશ્રય લેતા જણાય
છે. ધર્મની સાથે કેટલાક ચમત્કારોને પણ તેઓએ માન્યતા આપેલી : “સિદ્ધાંતસાર' અને પ્રાણવિનિમયમાં તેઓએ યોગિક પ્રક્રિયા અને ચમત્કારોને પણ ધર્મની સાથે પ્રમાણ્યા છે, જયારે આનંદશંકર પોતાના મતના સમર્થનમાં શુદ્ધ અને યોગ્ય પ્રમાણોનો
વિવેક પુર:સર ઉપયોગ કરે છે. (૩) અદ્વૈતસિદ્ધાંતમાં બંનેએ તત્ત્વજ્ઞાનનું સર્વોચ્ચ બિંદુ નિહાળ્યું છે. પરંતુ મણિલાલની જેમ
આનંદશંકર અદ્વૈતના જ પક્ષકાર બની રહેતા નથી. તેમની દષ્ટિ વધુ ઉદાર અને વધુ
વિશાળ પ્રતીત થાય છે. (૪) ધર્મના વિષયમાં તુલના અને સરખામણીને સ્થાન છે. પરંતુ તુલના કરતી વખતે
મણિલાલ ક્યારેક બે પક્ષો વચ્ચેના વિરોધને પહોળો કરી દે છે, જ્યારે આનંદશંકર બંને
પક્ષને શક્ય તેટલા નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. (પ) ધર્મના વિષયમાં શ્રદ્ધાતત્ત્વની સાથે સાથે બુદ્ધિતત્ત્વને પણ ઉચિત સ્થાન છે. એ
વિચારનો પ્રારંભ મણિલાલે કર્યો. પરંતુ બુદ્ધિનો જ્ઞાનસાધન તરીકે પુરસ્કાર આનંદશંકરે કર્યો છે. “આનંદશંકરની જગદવૈચિત્ર્ય અને સંસારવૈચિત્ર્યની સમજ વધારે વાસ્તવિક
છે.” (ઉપાયન, પૃ.૨૬૪) (૬) પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો આનંદશંકરનો અભ્યાસ વધુ તલસ્પર્શી હોવાથી, આનંદશંકરનું
ધર્મતત્ત્વચિંતન શુદ્ધ અને સર્વોચ્ચ જ્ઞાનની અવસ્થાઓ પહોંચે છે, જયારે મણિલાલનું ચિંતન પરંપરાના પ્રચારના ઉદ્દેશથી પ્રેરાયેલું હોવાથી, તેમનું ધર્મતત્ત્વચિંતન શુદ્ધતામાં પરિણમતું નથી. પરંપરાનો આદર આનંદશંકરમાં છે પણ મણિલાલ જેવી પ્રચારકભાવના આનંદશંકરમાં જોવા મળતી નથી. સુધારાવાદીઓ તરફ આનંદશંકરનું વલણ સૌમ્ય છે. આનંદશંકરનું લેખન વિશદ છે, કઠિન વિષયને પણ તેઓ રસપ્રદ બનાવે છે. ડૉ. રાધિકા જરીવાળા આ સંદર્ભમાં લખે છે કે : “આનંદશંકરના લેખનના ગુણોમાં પ્રસન્નતા, ઔદાર્ય છે, કટુતા નથી. મણિલાલનો ઉત્સાહ વેગીલો, વાણી પ્રવાહમાં ને દલીલોમાં શુષ્કતાની સાધારણ છાંટ ક્યારેક જણાઈ આવે છે.” (દાર્શનિક પ્રવાહો, પૃ.૧૮૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org