________________
આનંદશંકરના ચિંતનનો સંદર્ભ
સંભાળી લઈ આનંદશંકરે મણિલાલની વિચારણાને વધુ ઉદાર ભૂમિકા ઉપર મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં થોડો વખત “સુદર્શન'નું તંત્રીપદ સંભાળ્યા પછી આનંદશંકરને લાગ્યું કે પોતાની વિચારશ્રેણી સુદર્શન માટે બરાબર બંધબેસતી નહોતી એટલે તેમણે પોતાને સંપૂર્ણ છૂટ મળે એવા હેતુથી “વસંત' (૧૯૦૨) નામનું નવું માસિક કાઢી તે દ્વારા પોતાના ધર્મ-ચિંતન, સાહિત્ય અને કેળવણી વિષયક લેખો લખી ગુજરાતી ચિંતન સાહિત્યમાં પોતાનું આગવું પ્રદાન શરૂ કર્યું. સુધારાના કે તત્ત્વદર્શનના અમુક સિદ્ધાંતને બદલે જીવનને વિશાળ ક્ષેત્રમાં વગર પ્રણાલિકાએ વહેવા દેવું એ આનંદશંકરને મન “વસંત' નો ઉદ્દેશ હતો. આ ઉદ્દેશ જ મણિલાલ કરતાં તેમની વિચારપદ્ધતિના તાત્ત્વિક ભેદનું સૂચન કરે છે. મણિલાલની જેમ આનંદશંકર પ્રાચીન આર્યભાવનાના પૂજક હતા, પણ એ ભાવનાના “Missionary યાને આચાર્ય ન હતા. મણિલાલને એ ભાવના એક સાદા રૂપમાં અદ્વૈતસિદ્ધાંતના રૂપમાં દેખાતી હતી. તો આનંદશંકરને એ ભાવના સંકુલ અને અનેકરંગી તંતુઓની બનેલી પ્રતીત થતી હતી. અદ્વૈતસિદ્ધાંતને પરમસિદ્ધાંત તરીકે માનતા હોવા છતાં આનંદશંકર અન્ય સિદ્ધાંતોને પણ આર્ય ભાવનાના વિસ્તારક જ માનતા હતા. સર્વ સિદ્ધાંતોને અદ્વૈતમાં લય પમાડવા કે મિથ્યા સાબિત કરવાનો આનંદશંકરનો પ્રયત્ન નથી. તેઓ અન્ય સિદ્ધાંતોને અદ્વૈતની સાથે રાખીને જ વિચારે છે. જોકે એ પણ એટલું જ સત્ય છે કે મણિલાલના પરિચયમાં આવ્યા પછી જ આનંદશંકરમાં ધર્મ-ચિંતન પ્રત્યેનું આકર્ષણ જોવા મળે છે. “આનંદશંકરના લખાણોમાંની ધર્મ તેમજ તત્ત્વજ્ઞાન વિશેની ઘણી વિચારણાઓની પૂર્વપીઠિકા મણિલાલના લખાણોમાં મળી રહે છે. (મણિલાલ નભુભાઈ સાહિત્ય સાધના-પ્રસ્તાવના, પૃ.૯) આમ, આનંદશંકરની મૂળ પ્રેરણા મણિલાલમાંથી ઉદ્ભવી છે, તેમજ બંનેનાં લખાણોમાં ઘણું સામ્ય છે. તેથી આનંદશંકરના ચિંતનને બરાબર સમજવા માટે મણિલાલના દષ્ટિબિંદુ સાથે તેની સરખામણી કરવાથી આનંદશંકરના ચિંતનનાં વ્યાવર્તક લક્ષણો તારવી શકાય છે.
સ્વામી વિવેકાનંદ અને ડૉ.રાધાકૃષ્ણનની હરોળમાં આવી શકે તેવું ચિંતન આપનાર મણિલાલ અને આનંદશંકર એ ગુજરાતી ચિંતન સાહિત્યને મળેલા બે મોટા ગજાના વિદ્વાનો છે. મણિલાલ અને આનંદશંકરમાં અનેક બાબતોમાં સામ્ય રહેલું છે. બંને સંસ્કૃતિપ્રેમી, સ્વદેશહિતચિંતક, આર્યધર્મચિંતક છે. બંનેની શ્રદ્ધા શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં સ્થિર થયેલી હતી. બંને ધર્મના સ્વરૂપને વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારે છે. બંને જીવનના કેન્દ્રમાં ધર્મને સ્થાપે છે. ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાન પર કરવામાં આવતા આક્ષેપોના બંને એ સમર્થ પ્રત્યુત્તર આપેલા છે. ભારતીય ચિંતનપરંપરામાં રહેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના અવિરોધને બંને આપણા ધર્મ-ચિંતનની આગવી વિશેષતા ગણાવે છે. બંને અદ્વૈતની ભૂમિકા પર જ તત્ત્વજ્ઞાનના સર્વોચ્ચ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. બંનેના ચિંતનમાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની અદ્વૈત વેદાંત સાથે તુલના જોવા મળે છે. બંને એ આપણા પુરાણસાહિત્યને ધર્મસાહિત્યમાં પ્રતિષ્ઠિત કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org