________________
૨૨૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
પ્રાચીન સમયની આ ચાતુર્વર્ણ વ્યવસ્થા વર્તમાન સમયમાં માત્ર દંભરૂપ જ છે. આપણે ત્યાં અત્યારે ચાલતી વર્ણદશાથી સંતુષ્ટ રહેવામાં આનંદશંકર કર્તવ્યભંગ સમજે છે. એ કર્તવ્યભંગમાં જ તેમને હિંદુસ્તાનની અવનતિનું કારણ રહેલું દેખાય છે. અર્થાત્ વર્ણવ્યવસ્થા ગુણથી હોવી જોઈએ એમ આનંદશંકર માને છે. જાતિ ઉપરથી ગુણકર્મનું નહિ પણ ગુણકર્મથી જાતિનું અનુમાન કરવું એને જ આનંદશંકર યોગ્ય ગણાવે છે.
કેવળ દરેક વ્યક્તિની સ્વતંત્રતા અને ન્યાય વિચારીને સમાજ ચાલવા દેવો હોય તો વર્ણવ્યવસ્થા ન જોઈએ, પણ જનસમસ્તના હિતની દષ્ટિએ જ વિચાર કરવો હોય-હિતની આગળ ન્યાય અને સ્વાતંત્ર્યનાં તત્ત્વને નમાવવાં હોય - તો વર્ણવ્યવસ્થા આવશ્યક છે : પ્રજાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચાર વર્ણની જરૂર છે અને તેથી કોઈ કોઈમાં લોપ પામી ન જાય તે માટે જન્માનુસાર વર્ણભેદનો નિયમ રાખવાની આવશ્યકતા છે. પણ તે જનતાના હિત ખાતર જયાં જનતાનું હિત જ સચવાતું ન હોય- જેમ કે હાલની નાતજાતોની સ્થિતિમાં ત્યાં સનાતન ધર્મને માટે ખોટા વર્ણભેદ માટે આગ્રહ ધરાવવો એ મને યોગ્ય લાગતું નથી.” (ધર્મવિચાર-૧, પૃ.૫૯૭) સાર્વવર્ણિક ધર્મ:
વર્ણવ્યવસ્થા અંગેના આનંદશંકરના ઉપરોક્ત વિચારોમાં આપણે જોયું કે હિંદુસ્તાનની પ્રાચીન વર્ણવ્યવસ્થા જનહિતને સમાવનારી છે. જનસમાજ એક વૃત્તિ તરફ વળી ન જાય તથા એના જુદા જુદા ભાગો પરસ્પર સંઘર્ષમાં પડી જનસમાજના સમસ્ત હિતને હાનિ ન કરે તે માટે શાસ્ત્રકારોએ તે તે વર્ણના ધર્મો બાંધ્યા. આને વર્ણના વિશેષ ધર્મ તરીકે આનંદશંકર ઓળખાવે છે. આ વિશેષ ધર્મોની સાથે સાથે દરેક મનુષ્ય મનુષ્ય તરીકેનું કેટલુંક સર્વ સામાન્ય કર્તવ્ય બજાવવાનું હોય છે. તેનું ધ્યાન રાખતાં શાસ્ત્રકારોએ તે અનુસાર સર્વ વર્ણના કેટલાક સર્વ- સામાન્ય ધર્મ બતાવ્યા છે. આને સાધારણ અથવા “સાર્વવર્ણિક ધર્મ' કહે છે. સાર્વવર્ણિક ધર્મનો આ રીતનો અર્થ સ્પષ્ટ કરી આનંદશંકર તેને સમગ્ર જન સમાજ માટેનો ઉપદેશ કહે છે. સાર્વવર્ણિક ધર્મના બે પ્રકાર છે. એક તો અમુક કૃત્યો કોઈએ ન કરવાં એમ જણાવ્યું છે. બીજુ અમુક ગુણો આત્મામાં કેળવવાના છે એમ ઉપદેશ કર્યો છે. કેટલીકવાર બાહ્ય આચારને “નિયમ' કહે છે અને આંતર ગુણને “યમ” કહેવામાં આવે છે. કેટલીકવાર નકારાત્મક ધર્મનું આચરણ તે “નિયમ' અને ભાવાત્મક ધર્મનું આચરણ તે યમ” એમ ભેદ પાડવામાં આવે છે અને તેમાં નિયમ કરતાં યમ વધારે આવશ્યક ગણાય છે. વિવિધ સ્મૃતિઓમાંથી આ અંગેના નમૂનારૂપ કેટલાંક ઉદાહરણો આપી આનંદશંકર સાર્વવર્ણિક ધર્મોનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપે છે. (ધર્મવિચાર-૨, પૃ. ૧૦૩ થી ૧૦૬).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org