________________
૨૧૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
વેદાંગ યાને સૂત્રના સમયને આનંદશંકર વેદની પુનરાલોચનાનો સમય કહે છે. સંહિતાથી ઉપનિષદ સુધીનો જે વેદધર્મ છૂટોછવાયો જણાય છે તે સૂત્રકાળમાં વ્યવસ્થા પામે છે. સૂત્રકાળમાં થયેલી આ ધર્મવ્યવસ્થામાં સમયાનુસાર આવશ્યક ફેરફારો થતા રહ્યા છે. તેમ છતાં હિંદુધર્મમાં આ જ પર્યત વેદધર્મનાં તે તત્ત્વો મૂળ સ્વરૂપે વિરાજમાન છે, જેને આનંદશંકર આપણા ધર્મની જીવંતતાની નિશાની ગણે છે.
જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ધર્મનાં ત્રણ તત્ત્વો પૈકી જ્ઞાન અને ભક્તિ કર્મની સરખામણીએ આંતરતત્ત્વ છે અને તેથી સૂક્ષ્મ છે. તેથી જનસમાજનો બધો વર્ગ તેનો અધિકારી નથી બની શકતો. ધર્મનું ત્રીજું તત્ત્વ કર્મ તે બાહ્ય આચરણ રૂપ છે અને તે સ્થૂલ અને સહેલાઈથી ગ્રહણ કરી શકાય એમ છે. તેથી તે જનસમાજના મોટાભાગનો ધર્મ બને છે. જો કે અહીં આનંદશંકર એમ નથી કહેવા માગતા કે કર્મ આધારિત ધર્મ તે જ્ઞાન અને ભક્તિ વિનાનો આંધળો આચાર છે. તેમના મતે કર્મકાંડના ગર્ભમાં જ્ઞાન અને ભક્તિ રહેલાં છે. જ્ઞાન અને ભક્તિને પ્રકટ થવા માટે કર્મકાંડનું પોષણ પણ જરૂરી છે. આ દૃષ્ટિએ જ્ઞાન અને ભક્તિને આનંદશંકર ધર્મની પાંખોની ઉપમા આપે છે તો કર્મને એના ધડ (શરીર) સાથે સરખાવે છે. તેથી દરેક ધર્મનું સ્થૂલ સ્વરૂપ જાણવું હોય તો આનંદશંકર પ્રથમ તેના કર્મકાંડનું અવલોકન કરવાનું સૂચન કરે છે. એ કર્મકાંડને લગતા ગ્રંથ તે “કલ્પસૂત્ર'.
શ્રૌત્રસૂત્ર, ગૃહ્યસૂત્ર અને ધર્મસૂત્ર એવા કલ્પસૂત્રના ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે. તેમાં શ્રૌત્રસૂત્રમાં શ્રુતિમાં કહેલી યજ્ઞની ક્રિયાઓ શી રીતે કરવી એ બતાવેલું છે. ગૃહ્યસૂત્રમાં દરેક ગૃહસ્થ ઘરમાં કરવાની ધાર્મિક ક્રિયાઓનો તથા ઉપનયન - વિવાહાદિ સંસ્કારોનો વિધિ છે. ધર્મસૂત્રમાં મુખ્યત્વે, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણોના તથા બ્રહ્મચારી, ગૃહસ્થ વગેરેના આશ્રમોના ધર્મોનું, તેમજ વારસો, લેણ-દેણ વગેરે લૌકિક વ્યવહાર તથા કાયદાને લગતી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કે આવા ભેદ હોવા છતાં, આ ત્રણે પ્રકારનાં સૂત્રોને આનંદશંકર પરસ્પરની સાથે જોડાયેલા માને છે. તેની સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : “ગૃહસ્થ વેદધર્મ પાળે છે અને તેથી ગૃહસ્થ તરીકે પણ એ શ્રુતિમાં કહેલા કેટલાક યજ્ઞો કરે છે : વળી, જનસમાજમાં રહેતા મનુષ્યોને ઘરસંસાર વિના ચાલતું નથી અને ઘરસંસારી મનુષ્યોને જનસમાજના પરસ્પરના વ્યવહારમાં ભાગ લેવો પડે છે. આ રીતે શ્રૌત અને ગૃહ્ય, ગૃહ્ય અને ધર્મ એમ ત્રણે સૂત્રોના સમય થોડા ઘણા એકબીજા સાથે ભળેલા જોવા મળે છે.” (ધર્મવિચાર ૨, પૃ. ૭૨-૭૩)
શ્રૌતયજ્ઞોમાંના ઘણાખરા યજ્ઞ અત્યારે હિંદુધર્મમાં નહિ જેવા રહ્યા છે. પરંતુ તેની સરખામણીએ ગૃહ્યસૂત્ર અને ધર્મસૂત્ર આજ પર્યત હિંદુધર્મમાં મૂળ સ્વરૂપે પ્રચલિત છે. તેથી આનંદશંકર તેની સૂક્ષ્મ તેમજ ઊંડાણથી ચર્ચા કરે છે અને સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે કે, ગૃહ્યસૂત્ર અને ધર્મસૂત્રમાં વર્ણવેલી ક્રિયાઓ તેમજ જીવનના નિયમો પર સમસ્ત હિંદુ જનસમાજની ઈમારત બંધાયેલી છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org