________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૧૩
જ્યાં સ્મૃતિ અને શ્રુતિ વચ્ચે સ્પષ્ટ વિરોધ આવે ત્યાં સ્મૃતિ કરતાં શ્રુતિને વધારે પ્રબળ માનવાનો સિદ્ધાંત છે. પણ જો કોઈ બાબત શ્રુતિમાં કહી જ ન હોય તે અંગેનું કોઈ વચન સ્મૃતિમાં હોય તો એ વચન મૂળ કોઈ શ્રુતિ ઉપરથી જ બન્યું હશે એમ મનાય છે. સ્મૃતિગ્રંથોનું આ રીતનું મહત્ત્વ જોતાં આનંદશંકર સ્મૃતિઓ કે જે સંસ્કૃત કાળનો પ્રતિષ્ઠિત ઋષિપ્રણિત ગ્રંથો છે તેના ઉપર હિંદુધર્મનો મુખ્ય આધાર રહેલો છે એમ માને છે. તેથી તેમણે વેદાંગ, પંચમહાયજ્ઞ, સંસ્કાર, વર્ણવ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, કર્મ અને પુનર્જન્મ, પુરુષાર્થ વગેરે હિંદુધર્મના મૂળભૂત સિદ્ધાંતનું ખૂબ જ તલસ્પર્શી વર્ણન કર્યું છે. વેદાંગ-સૂત્ર :
વેદ પછી વેદના શુદ્ધ ઉચ્ચાર કરવા માટે, એના અર્થ સમજવા માટે, એમાં બતાવેલી યજ્ઞની ક્રિયાઓ યોગ્ય કાળે અને યોગ્ય પદ્ધતિસર કરવા માટે કેટલાંક પુસ્તકો રચવામાં આવ્યા તે “વેદાંગ' કહેવાય છે. “વેદાંગ એટલે વેદના અંગ યાને સાધન, વેદને સહાયભૂત થનારા પુસ્તકો, વેદાંગ છે છે : (૧) શિક્ષા (૨) કલ્પ (૩) વ્યાકરણ (૪) છન્દ (૫) જયોતિષ (૬) નિરુક્ત
આ કાળનાં ઘણાં પુસ્તકો “સૂત્ર' આકારમાં રચાયેલાં છે. “સૂત્ર' એટલે દોરો. જેમ દોરા ઉપર ફૂલ ગૂંથીને હાર બનાવાય છે તેમ થોડા શબ્દોનાં બનેલા અલ્પાક્ષરી વાક્યોને “સૂત્ર' કહે છે. સૂચવે તે “સૂત્ર'. થોડા શબ્દોમાં સઘળો અર્થ સૂચવનાર વાક્યો તે “સૂત્ર’ એમ કેટલાક ટીકાકારો “સૂત્ર' શબ્દનો અર્થ કરે છે. આનંદશંકરના મતે ટૂંકાં વાક્યો શિષ્યો સહેલાઈથી યાદ રાખી શકે અને એ ઉપર ગુરુએ કરેલો બધો ઉપદેશ મનમાં ગોઠવી શકે એ હેતુથી સૂત્ર રચાયેલાં છે. આમ, જ્યારે સઘળી વિદ્યા કંઠસ્થ રાખવાનો રિવાજ હતો ત્યારે આ સૂત્રો રચાયાં હશે એમ આનંદશંકર માને છે. તે વખતના હિંદુસ્તાનમાં લિપિજ્ઞાન નહોતું. તેથી સૂત્રો - અલ્પાક્ષરી વાક્યો રચાયાં હશે એમ પાશ્ચાત્ય વિદ્વાન મૈક્સમૂલરનો મત છે, જેને આનંદશંકર માન્ય રાખતા નથી. યુરોપિયન વિદ્વાન ગોલ્ડસ્ટકરને અનુસરી આનંદશંકર કહે છે કે, સૂત્રો રચાતાં પહેલાં પણ લિપિત્તાન હિંદુસ્તાનમાં હતું એમ સિદ્ધ કરનારા ઘણાં પ્રમાણ છે. જેમ કે, “વર્ણ', “અક્ષર' વગેરે શબ્દો જે પાણિનિની પહેલાંના છે તે સ્પષ્ટપણે બતાવે છે કે લિપિજ્ઞાન ન હોત તો એ શબ્દો સંભવે નહિ. આ ઉપરાંત બૌદ્ધ ધર્મનું મુખ્ય સાહિત્ય “સૂત્ર” નામે ઓળખાય છે. તેને કારણે બધાં “સૂત્રો' ગૌતમબુદ્ધ (ઈ.સ. પૂર્વે છઠ્ઠો સૈકો ) પછીનાં છે એમ પણ કેટલાક વિદ્વાનો કલ્પના કરે છે. તેને આનંદશંકર અયોગ્ય કલ્પના ગણાવે છે. તેમના મતે બૌદ્ધ ધર્મનાં સૂત્રોનું
સ્વરૂપ ગુરુશિષ્યના સંવાદરૂપી છે. તેથી “સૂત્ર” – શબ્દ વૈદિક સૂત્રને જેવો યથાર્થ રીતે લાગુ પડે છે તેવો બૌદ્ધ સૂત્રને લાગુ પડતો નથી. તેથી બૌદ્ધ સાહિત્યમાં રહેલો “સૂત્ર' શબ્દ વૈદિક શબ્દ ઉપરથી થયો હોવાનું વધારે સંભવિત છે એમ આનંદશંકર માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org