________________
૨૦૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
હવિર્યજ્ઞ સાદા અને ઘરમાં જ થઈ શકે એવા હતા. અગ્નિહોત્ર, દશપૂર્ણમાસ વગેરે હવિર્યજ્ઞના પ્રકાર છે. સોમયાગ એ મોટા યજ્ઞો હતા. અગ્નિષ્ટોમ, રાજસૂય, અશ્વમેધ વગેરે સોમયાગના પ્રખ્યાત પ્રકારો છે. આમાંથી અગ્નિષ્ટોમ એ નાનો સોમયાગ છે, જયારે રાજસૂય અને અશ્વમેધ રાજા માટે છે. સોમયાગ બ્રાહ્મણકાળમાં નવો જ ઉત્પન્ન થયેલો યજ્ઞ નથી. ઋગ્યેદસંહિતામાં દેવતાઓને સોમ અર્પવાનો વિધિ આવે છે. આમ, સોમયાગનાં મૂળ આનંદશંકરના મતાનુસાર ઘણાં પ્રાચીન છે.
બ્રાહ્મણમાં પ્રજાપતિ, યજ્ઞ વા હવિ અને યજમાન એ ત્રણેની ગૂઢ એકતાનું પ્રતિપાદન કરવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથોને આધારે ઋષિઓના ધર્મ પરત્વે આનંદશંકર બે ફલિતાર્થો તારવે છે : (ધર્મવિચાર - ૨, પૃ. ૪૪) (૧) બ્રાહ્મણકાળના ઋષિઓના યજ્ઞ તે માત્ર અર્થ વગરની જાદુઈ ક્રિયાઓ જ ન હતી, પણ
એમાં ઋષિઓ પોતાના ધાર્મિક વિચારો મૂર્તિમંત કરતા. (૨) બ્રાહ્મણયુગમાં વૈદિકધર્મ કર્મજાળથી બહુ છવાઈ ગયો હતો, પણ તે સાથે તેમાં એકેશ્વર
વાદની ભાવના પણ જોઈ શકાય છે.
બ્રાહ્મણકાળમાં ઋષિઓ પ્રજાપતિ રૂપે એક પરમાત્માનું વજન કરતાં જણાય છે અને યજ્ઞ તે આ વિશ્વનું સ્વરૂપ છે એમ તેમની ભાવનામાં જોઈ શકાય છે. આજ સમજણથી ઋષિઓએ અનેક વિધિઓ રચેલી છે. આ સંદર્ભમાં આનંદશંકર કહે છે : “એમ કહીએ તો પણ ચાલે કે પ્રાચીન ઋષિઓના ભક્તિના ઉદ્રકમાંથી યજ્ઞકર્મ વધી પડ્યાં હતાં તે વધારે વિસ્તારવા માટે નહિ, પણ એ સર્વમાં આ વિશ્વનું સ્વરૂપ દર્શાવવા માટે તથા એક પ્રજાપતિનું સ્મરણ જાગતું રાખવા માટે બ્રાહ્મણગ્રંથની સાંખ્ય પ્રવૃત્તિ હતી.” (ધર્મવિચાર – ૨, પૃ. ૪૪-૪૫)
સંહિતા અને બ્રાહ્મણ પછી વેદનો છેલ્લો વિભાગ તે આરણ્યક અને ઉપનિષદ. આ ત્રણે ભેગા મળી “વેદ” કહેવાય છે. આરણ્યક અને ઉપનિષદમાં વેદનો “અંત’ એટલે કે છેવટનો ભાગ યા સિદ્ધાંત રહેલો છે.
સંહિતામાં બ્રહ્મ', “ઋત” વગેરે ધર્મવાચક શબ્દોમાં ગર્ભિત રીતે તત્ત્વજ્ઞાન પડેલું છે. સંહિતામાં જે તત્ત્વજ્ઞાન પ્રગટ રૂપે જોવા મળે છે તે ઘણે ભાગે સાદું છે, તેથી તત્ત્વજ્ઞાનના ગહન પ્રશ્નોના ખુલાસા તેમાં મળતા નથી. આમ થવાનું કારણ આનંદશંકર સંહિતા એ ભક્તિ પ્રધાન અને સામાન્ય જનસમાજની ધાર્મિક વૃત્તિ સંતોષવાને અર્થે પ્રવૃત્ત થયેલી છે તેમાં રહેલું જુએ છે. અર્થાત્ તેમના મતે સંહિતા ભક્તિપ્રધાન વિશેષ છે . તેથી તેમાં તત્ત્વજ્ઞાન પ્રત્યક્ષ રીતે જોવા મળતું નથી. તે સંહિતા પછી બ્રાહ્મણગ્રંથોમાં જે કર્મ (યજ્ઞ) પ્રધાન છે તેમાં તત્ત્વજ્ઞાનની ઊંડી સમજણ છે પણ તે યજ્ઞ સાથે ભળેલી છે તેથી તેમાં તત્ત્વજ્ઞાન પ્રત્યક્ષરૂપે રહેલું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org