________________
૧૬૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
એવાં, કોને differentia કહીએ અને કોને Property કહીએ એ પણ જેમાં ન સમજી શકાય એવાં પરસ્પર ઓતપ્રોત છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૫૧)
કોઈપણ ધર્મનું સમગ્ર સ્વરૂપ એક જ વ્યક્તિની પ્રતિભામાં પ્રગટ થતું નથી. અનેક મહાન વ્યક્તિઓની પ્રતિભા મળીને એનું સ્વરૂપ બંધાય છે. અને તેમાં પણ દેશ-કાલ અને દષ્ટાની બુદ્ધિ તથા સ્વભાવ અનુસાર ધર્મનાં જુદાં જુદાં તત્ત્વો ઉપર વધારે ઓછો ભાર મુકાય છે. પરંતુ આમ એક જ વ્યક્તિની પ્રતિભામાં આવેલો ધર્મ એ જ ધર્મનું સમગ્ર સ્વરૂપ એવો આગ્રહ એ આનંદશંકરને મતે ધર્મના વિષયમાં સાંકડા મનની અને અયથાર્થ દૃષ્ટિની નિશાની છે. પોતાના આ વિચારોને અનુસરી આનંદશંકર જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મની એકતા પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. બાહ્ય દષ્ટિએ આ ત્રણ ધર્મોમાં ગમે તેટલો ભેદ જણાય તો પણ તેની અંદર જે સનાતન ધર્મનું સત્ય રહેલું છે તે એક જ છે. આ સનાતન સત્યો તરીકે વૈરાગ્ય અને ભૂતદયા વગેરેને આનંદશંકર સ્વીકારે છે. આ સર્વ સત્યો સનાતન છે અને જૈન, બૌદ્ધ અને વેદધર્મ એ ત્રણે ધર્મમાં એકના એક છે. આપણા ઈતિહાસમાં એમ બન્યું છે કે જૈન તેમજ બ્રાહ્મણધર્મના પાછલા કાળમાં જૈન અને બ્રાહ્મણ લેખકોએ એક-બીજાના ધર્મનાં ખંડનો કરવાના પ્રયત્ન કર્યા હતા. પણ કોઈથી સનાતન ધર્મનું ખંડન થઈ શકતું નથી તેને આનંદશંકર વિશેષ રૂપે નોંધે છે. “ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો વેદ સૌ ગ્રંથોમાં પુરાતન છે પણ વેદ ધર્મની શરૂઆત વેદગ્રંથથી જ નથી. વેદમાં જોવાથી જણાય છે કે વેદ પહેલાં પણ આપણો સનાતન ધર્મ પ્રવર્તતો હતો. જૈન ગ્રંથો પણ એ જ સત્યની સાક્ષી પૂરે છે.... બ્રાહ્મણોના જીવનમાં જે ખામીઓ પ્રવેશી હતી તે ધર્મની મૂળ ભાવના બગડીને થયેલી હતી. જેનો તેમજ બૌદ્ધોએ તે ખામીઓ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો.” તેમાં આનંદશંકર કોઈ જ પ્રકારના પ્રતિપક્ષીપણાનો ભાવ જોતા નથી. તેમના મતે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ હંમેશાં જૂના ધર્મને સનાતન સત્યને જ અનુસર્યા છે. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે સનાતન સત્યો કહેવાય છે તે મહાવીરને, બુદ્ધને અને વેદને પણ માન્ય હતાં. આ પ્રમાણે સર્વત્ર એકતા જ જણાય છે.
“જૈનનો અર્થ વૃત્તિને જીતનાર એવો, અને બ્રાહ્મણનો ખરો અર્થ (વૃદ - વિશાળ થવું, વધવું એ ધાતુ ઉપરથી) પરમાત્માની વિશાળતાને સર્વત્ર અનુભવનાર થાય છે. પરમાત્માની સર્વવ્યાપકતા અને વિશાળતા જેણે અનુભવી હોય તેણે વૃત્તિઓનો જય કરી સૌથી પ્રથમ ‘જિને બનવું જ જોઈએ. બૌદ્ધગ્રંથોમાં પણ સાચા બ્રાહ્મણત્વની ચર્ચામાં ‘બૌદ્ધ’ અને ‘બ્રાહ્મણ' શબ્દની એકતા દર્શાવવામાં આવી છે. “જૈન” અને “બ્રાહ્મણ' શબ્દના અર્થો પરથી બંનેની એકતા સ્થાપિત કરતાં આનંદશંકર કહે છે. “જિન થયા વિના બ્રાહ્મણ થવાતું નથી અને જિન થાય તેનાથી બ્રાહ્મણ થયા વિના રહેવાતું નથી.” (ધર્મવિચાર-૧, પૃ.૫૮૭) આ રીતે “જૈન” અને બ્રાહ્મણ” શબ્દની શાસ્ત્રોક્ત વ્યાખ્યાઓ પણ બંનેની પરસ્પર એકતા જ સૂચવે છે. એજ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org