________________
૧૪૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
વિકાસ પણ ઐતિહાસિક ક્રમે જ ચાલતો હોવાથી વિકાસ (Evolution) પદ્ધતિઓનો સમાવેશ પણ આનંદશંકર ઐતિહાસિક પદ્ધતિમાં કરે છે. (૨) તોલન પદ્ધતિ (Comparative Method)
વિવિધ દેશના અને વિવિધ કાળના વિચાર સ્વરૂપોને સરખાવી તેમાંથી સામાન્ય અને વિશેષ તત્ત્વો તારવવાની પ્રક્રિયાને આનંદશંકર તોલન પદ્ધતિ કહે છે. (૩) નિગમન પદ્ધતિ (Deductive Method)
સ્વતંત્ર રીતે વસ્તુના મૂલ સ્વરૂપમાંથી જ પ્રસ્તુત વિષયમાં સિદ્ધાંતો ઉપજાવી કાઢી તેની મદદથી તાત્ત્વિક અને આકસ્મિક અંશોનો ભેદ તારવવાની પદ્ધતિને આનંદશંકર નિગમન પદ્ધતિ કહે છે.
આમ, યોગ્ય અધિકાર મેળવી ઉપરોક્ત પદ્ધતિઓની મદદથી ધર્મના વિષયનું અધ્યયન કરવું જોઈએ. ધર્મના વિષયમાં શ્રદ્ધા અને શંકા :
બાહ્ય જગત અને અંતરાત્મા બંનેના અધિષ્ઠાન રૂપે ધર્મ સર્વને ધારણ કરનાર પરમતત્ત્વ બને છે. આ દષ્ટિએ ધર્મ એ ચેતનનો પર્યાય છે. ધર્મને જો અનુભવ સિદ્ધ તત્ત્વ તરીકે સ્વીકારીએ તો શ્રદ્ધાના સ્વરૂપને પણ સમજવું જોઈએ. ‘શ્રદ્ધા અને શંકા' એવા એક લેખમાં આનંદશંકરે ધર્મના વિષયમાં શ્રદ્ધા અને શંકાનું સ્વરૂપ સમજાવ્યું છે.
આત્મજ્ઞાનના માર્ગમાં સંશય અડચણરૂપ માનવામાં આવે છે. શ્રદ્ધા એ જ પરમપુરુષાર્થ સિદ્ધ કરવાનું મુખ્ય સાધન છે. આમ છતાં જો શ્રદ્ધાના ઉપયોગ પરત્વે વિવેક કરવામાં ન આવે તો તે ક્યારે અંધશ્રદ્ધામાં કે દુષ્ટ સંશયમાં સરી પડે તે કહી શકાતું નથી. આ સંદર્ભમાં આત્મજ્ઞાનને અનુકૂળ શ્રદ્ધાનું સ્વરૂપ આનંદશંકરે સ્પષ્ટ કર્યું છે. જ્ઞાન અને નીતિના ક્ષેત્રમાં રહેલી મનુષ્યની શ્રદ્ધા એ આત્મજ્ઞાનને અનુકૂળ શ્રદ્ધા છે એવો આનંદશંકરનો નિર્ણય છે. પ્રકૃતિની એકરૂપતા અને નૈતિકવ્યવસ્થામાં રહેલી માનવની શ્રદ્ધાનું સ્વરૂપ આનંદશંકર સમજાવે છે. Uniformity of Nature ઉપરની શ્રદ્ધા :
મનુષ્યને શ્રદ્ધા ન હોય તો એની પ્રવૃત્તિ જ સંભવે નહિ. અમુક પદાર્થ અમુક પ્રકારનો વસ્તુતઃ છે એમ માનીને જ – અર્થાત્ શ્રદ્ધાપૂર્વક જ મનુષ્ય સર્વ વ્યવહાર કરે છે. વિજ્ઞાન પણ કાર્યકારણના મહાનિયમ ઉપર શ્રદ્ધા રાખીને જ કાર્ય કરે છે. જે સ્થળે કાર્યકારણનો ભંગ થતો જણાય ત્યાં પણ ‘વિજ્ઞાન' નિયમ માટે શંકા ન ધરાવતાં એ સ્થળ વિશેષને ભ્રાંતિજનક માને છે. અથવા તો ભવિષ્યમાં જુદો ખુલાસો થશે એમ શ્રદ્ધા રાખે છે. પરંતુ કાલત્રયમાં કાર્યકારણના નિયમને બાધ થાય એમ શંકા ઉદ્ભવતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org