________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૨૯
અને અલગ અનુભવવા એ વિવેક છે. અહીં એ વિચારણીય મુદ્દો છે કે આનંદશંકર દ્વારા પ્રસ્થાપિત થયેલ પાશ્ચાત્ય તત્ત્વચિંતનની ભૂમિકાઓ (તેમના મતે) નિત્યાનિત્ય વસ્તુવિવેક અને આત્મઅનાત્મવિવેકની દષ્ટિએ કરવામાં આવી છે. આ પાશ્ચાત્ય તત્ત્વચિંતનને વેદાંતની પરિભાષામાં મૂકવાનો એક પ્રશસ્ય પ્રયત્ન છે. અને તેને આનંદશંકરના પાશ્ચાત્ય તત્ત્વચિંતનના વિશિષ્ટ અર્થઘટન રૂપે જોવું જોઈએ. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં આ સમગ્ર અર્થઘટનમાં આનંદશંકર નિત્ય-અનિત્યનો તફાવત પાડવો અને નિત્ય-અનિત્યના તફાવતની અનુભૂતિનિત્યાનિત્ય વસ્તુવિવેક, આત્મ-અનાત્મવિવેક, વૈરાગ્ય, અમદમાદિ સાધનસંપત્તિ અને મુમુક્ષુત્વ દ્વારા અનુભવવું – આ બે વચ્ચે રહેલા જ્ઞાનાત્મક તફાવતને ભૂંસી નાખે છે. અહીં એ વાત સ્પષ્ટ કરવી અત્યંત જરૂરી છે કે આનંદશંકરે આપેલી પાશ્ચાત્ય તત્ત્વચિંતનની વિચારની ભૂમિકાઓ કેવળ વૈચારિક તફાવતોનું જ નિરૂપણ કરે છે. આ તફાવતોમાં વેદાંતપ્રાપ્ત વિવેકનો પાશ્ચાત્ય વિચારની ભૂમિકાઓમાં સદંતર અભાવ છે. એટલે આનંદશંકરે નિરૂપેલ વિચારની ભૂમિકાઓમાં ભલે નિત્યાનિત્ય કે આત્માનાત્મના તફાવતનું નિરૂપણ અવશ્ય છે. પરંતુ તેમાં વેદાંત અપેક્ષિત વિવેક વિચારનો સમાવેશ નથી. આમ વેદાંતને સર્વોચ્ચ ભૂમિકાએ પ્રસ્થાપિત કરવામાં તેમણે કરેલું પાશ્ચાત્ય વિચારનું અર્થઘટન પાશ્ચાત્ય વિચારને પૌર્વાત્ય વાઘા પહેરાવવાનો પ્રયત્ન છે. પરંતુ આ જાજવલ્યમાન વાઘા જે દેહ પર પહેરાવાયા છે તે આ વાઘાને પોતાના વિચાર દોર્બલ્યને કારણે પહેરી શકે તેમ નથી. સમગ્ર ચર્ચાને આધારે એ વાત સ્પષ્ટ થાય છે કે શાંકરવેદાંતમાં પ્રસ્થાપિત વિવેક-નિત્યઅનિત્ય વસ્તુ, આત્મ-અનાત્મ વચ્ચેના તફાવતોને - જીવનમાં અનુવાદ કરવાની, અનુભવવાની પ્રક્રિયા છે, કેવળ વૈચારિક ભેદ નથી. પશ્ચિમમાં કેવળ વૈચારિક ભેદો જ પ્રસ્થાપાયા છે. આ ભેદોને જીવનમાં ઉતારવાનું ચિંતન તેની પદ્ધતિ કે પ્રક્રિયાનું નિરૂપણ આનંદશંકરે નિરૂપેલ પાશ્ચાત્ય તત્ત્વચિંતન વિચારની ભૂમિકામાં પ્રાપ્ત થતું નથી. (૨) જડવાદ અને ચૈતન્યવાદ :
વૈજ્ઞાનિક યુગને પરિણામે જીવન અંગેની મનુષ્યની પરંપરાગત દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવ્યું. વિજ્ઞાને મનુષ્યની ધર્મ અને સમાજજીવન અંગેની માન્યતાઓમાં પુનઃવિચારણાની ફરજ પાડી. પરિણામે મનુષ્યને લગતા તાત્ત્વિક પ્રશ્નો પરત્વે પણ નવેસરથી વિચારણા થવા લાગી. યંત્રયુગની અસરથી ધીમે ધીમે જડવાદનો પ્રભાવ સમાજજીવનમાં વધવા લાગ્યો. ભૌતિક વિજ્ઞાને જગત અને ઈશ્વર એટલે કે જડ અને ચૈતન્ય અંગે પોતાનું સ્વતંત્ર દષ્ટિબિંદુ પ્રગટ કર્યું, તેથી તત્ત્વજ્ઞાનના જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેના પરંપરાગત ખ્યાલો સામે અનેક પ્રશ્નો ઊભા થયા.
ઓગણીસમી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં પ્રવર્તી રહેલા જડવાદના પ્રબળ સામર્થ્યનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org