________________
૧૧૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
ભરેલા છે. કારણકે, “શેતાન' નામની ઈશ્વરે ઉત્પન્ન ન કરેલી એવી શક્તિ માનવાથી ઈશ્વરના સર્વસત્તાધીશપણાનો બાધ આવે છે. જ્યારે બીજા ખુલાસા અનુસાર પરિણામ (સાધ્ય)ની દષ્ટિએ સાધનનો બચાવ કરવો એ ઈશ્વરના સામર્થ્યની વિરુદ્ધ છે. આમ, પરમાત્માની આવરણશક્તિના આ ખુલાસા પણ અતાર્કિક છે તેમ આનંદશંકર સિદ્ધ કરે છે.
વિશિષ્ટાતી રામાનુજાચાર્ય અવિદ્યાનો ખુલાસો એવો આપે છે કે, રાગ દ્વેષાદિ વૃત્તિઓ અવિદ્યાથી ઊપજેલી છે અને એ અવિદ્યા જીવનમાં પોતાનાં જ પૂર્વજન્મનાં કર્મોનું ફળ છે. પરંતુ રામાનુજાચાર્યના આ મતની સામે એક વાંધો એ ઉઠાવી શકાય કે, અત્યારની અવિદ્યા પૂર્વજન્મના કર્મથી, પૂર્વજન્મનું કર્મ તે પહેલાંની અવિદ્યાથી, એ અવિદ્યા તે પહેલાંના કર્મથી એમ પાછળ અનવસ્થા દોષ આવે છે. આ દોષનું સમાધાન શાંકરવેદાંતીઓ એમ કરે છે કે, - અનવસ્થા ભલે ચાલે, તે અનિવાર્ય છે. કારણકે જગતની કોઈપણ કાળે શરૂઆત થયેલી માનીએ તો તે પહેલાંનો કાળ કેમ ખાલી પડી રહ્યો હતો એવો પ્રશ્ન ઊભો થાય છે. તેનો કોઈ ખુલાસો આપી શકાય તેમ નથી. માટે અવિદ્યા અને કર્મની કાર્ય-કારણતાની લીટી અનંત ભૂતકાળ સુધી લંબાયા કરે તેમ માનવામાં કોઈ બાધ નથી, કારણકે તર્કની એ એક અનિવાર્યતા છે. આનંદશંકર આ ખુલાસાને પણ સમાધાનકારી ગણતા નથી. કારણકે એમાં મનુષ્ય અજ્ઞાન માટેની જવાબદારી પરમાત્માને વળગવા ન દેતાં પોતાને માથે રાખવાનો પ્રયત્ન કરે છે. રાગદ્વેષરૂપી પરમાત્માવિષયક અજ્ઞાનને માટે પરમાત્મા જવાબદાર નથી એમ બતાવવાથી મૂળ પ્રશ્ન તો અનુત્તર રહે છે કે, કર્મ અને અવિદ્યાની ગડમથલ જીવને વળગાડનાર કોણ? અવિદ્યાના સ્વરૂપના સંદર્ભમાં વિચારીએ તો જણાય છે કે એક અવિદ્યા, બીજી અવિદ્યા, ત્રીજી અવિદ્યા એવા અવિદ્યાના જુદા જુદા નંબરો નથી કે જે પૂર્વ જન્મનાં કર્મોનો ખુલાસો આપી શકે. અવિદ્યા એક જ ચાલી આવે છે અને અવિદ્યાથી બનેલાં કર્મોને અવિદ્યાના કારણરૂપે સ્થાપવાં એમ અન્યોન્યાશ્રય દોષ આવે છે. તેથી શાંકરવેદાંતી રામાનુજાચાર્યની માફક અવિદ્યાને પૂર્વજન્મના કર્મની ન માનતાં અનાદિ માને છે એવો આનંદશંકરનો નિર્ણય છે.
આનંદશંકર આ સમગ્ર સમસ્યાનું સમાધાન શાંકરવેદાંત અનુસાર બતાવે છે. અવિદ્યાનું સ્વરૂપ જોતાં પરમાત્મા અવિદ્યાને ઉત્પન્ન કરે તે સંભવતું નથી, તેમ તે પરમાત્માની જેમ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતી હોય તે પણ સંભવિત નથી. પરમાત્માની સાથે અવિદ્યાને જોડતાં અનેક દોષ આવે છે એમ પણ સ્વીકારવું પડે તેમ છે. એ સાથે એ પણ એટલી જ સ્પષ્ટ વાત છે કે અવિદ્યા અનુભવાય છે તો ખરી. આ બંને વાતોને સાથે લેતાં એ ફલિત થાય છે કે, અવિદ્યા અનુભવાય છે અને છતાં એનું અસ્તિત્વ અસંખ્ય દૂષણોથી ભરેલું છે – આનંદશંકર કહે છે :
એનું નામ જ Irrationability, Unreason, “અવિદ્યા'. જેનો ખુલાસો થઈ શકે, જેને કાર્યકારણની સાંકળમાં જોડી શકાય, જેને પરમાત્મામાંથી ફલિત કરી શકાય એ “અવિદ્યા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org