________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૧૧
કારે પોતાના “ક્રીટિક ઓફ પ્યોર રીઝન'માં મનુષ્ય જ્ઞાનની મર્યાદા અંગે ચિંતન કર્યું છે. કાન્ટ અનુસાર આપણા ઈન્દ્રિય જ્ઞાનમાં રહેલી દેશ અને કાળરૂપી બે ઉપાધિઓ વિષયગત નથી. કારણ વસ્તુતત્ત્વ આપણે જાણી જ શકતા નથી. આપણી ઈન્દ્રિય દ્વારા વિષયમાં સ્થળકાળ આરોપાય છે. કાન્ટની પછીના વખતમાં એટલો ફેરફાર સુચવાયો કે - પ્રથમ સ્વતઃ પદાર્થ છે અને પછીથી ઈન્દ્રિયોનો સંબંધ થતાં એનામાં દેશ અને કાળની ઉપાધિઓ ઊપજે છે એમ નથી પણ ઈન્દ્રિય સાથે સંબંધ રૂપે જ એ પદાર્થનું અસ્તિત્વ છે. એટલે જો પદાર્થ છે તો તેને દેશકાળ લાગેલા જ છે. ઉપરોકત બંને સિદ્ધાંતો પરથી આનંદશંકર એવું તારણ આપે છે કે, :
જે પદાર્થ ઈન્દ્રિયાતીત છે તે દેશગત કે કાલગત હોઈ ન શકે. આથી આટલી વાત સ્પષ્ટ છે કે આત્મા, જીવાત્મા તેમજ પરમાત્મા-જે ઈન્દ્રિયાતીત છે, તેને દેશગત કે કાલગત માનવો એ ભૂલ છે. જો આત્માને દેશ કે કાળની ઉપાધિ લાગતી નથી, તો પછી જીવાત્મા અને પરમાત્માને એકબીજાની પૃથક્ પાડવા એ સંભવતું નથી.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૬૮)
આ ઉપરાંત કાન્ટનું બીજું એક મંતવ્ય એવું છે કે જેમ મનુષ્યનું ઈન્દ્રિયજ્ઞાન વિષયમાત્રને દેશ અને કાળના બીબામાં ઢાળે છે, તેમ મનુષ્યની બુદ્ધિ પણ વિષયને અમુક બીબામાં જ ઉતારી લે છે. અર્થાત્ દ્રવ્ય, ગુણ, કારણ, સંખ્યા વગેરે આકારોમાં જ વિષયોને કહ્યું છે. કાન્ટના આ સિદ્ધાંતમાં પાછળથી એવો સુધારો આવ્યો છે કે વિષય સ્વતઃ - સ્વતંત્ર કોઈ પદાર્થ નથી પણ બુદ્ધિના વિષય રૂપે જ એનું અસ્તિત્વ છે, એટલે પ્રથમ પદાર્થ સ્વતંત્ર સિદ્ધ હોય અને પછીથી એ બુદ્ધિનો વિષય બને એમ થતું નથી. “જે પદાર્થ મનુષ્ય બુદ્ધિનો વિષય નથી એની સાથે દ્રવ્ય-ગુણ-કારણ-સંખ્યા વગેરેના વિચારો જોડવા એ ભૂલ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૬૮)
અર્થાત અધિષ્ઠાનરૂપે કોઈક પદાર્થ માનવો જોઈએ અને તેથી દ્રવ્ય, ગુણ, સંખ્યા, આદિ બુદ્ધિના આકારો જે બુદ્ધિથી શરૂ થાય છે તેને બુદ્ધિની પેલી પારના અધિષ્ઠાનભૂત-પદાર્થને લગાડવાનો સગુણવાદી અને દ્વૈતવાદીઓનો પ્રયત્ન નિરર્થક છે. બુદ્ધિની પાછળ પેલી પાર જવું અશક્ય લાગતું હોય તો એનો અને અધિષ્ઠાનનો એટલે ચિત્ત અને સતનો અભેદ માનો, પણ બુદ્ધિ અને બુદ્ધિના વિષયને એક સંકલનામાં જોડ્યા વિના, અર્થાતુ બંનેની એક અધિષ્ઠાનમાં એકતા કર્યા વિના છૂટકો નથી.
આ સમગ્ર ચર્ચાને આધારે આનંદશંકર અધિષ્ઠાનરૂપ પદાર્થ જીવભાવ શી રીતે પામ્યો? એ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરે છે. વેદાંતના વિવિધ આચાર્યોના આ અંગેના ભિન્ન ભિન્ન સિદ્ધાંતોના સંદર્ભમાં આનંદશંકર આ પ્રશ્નની ચર્ચા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org