________________
૧૦૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આ રીતે વિચારતાં માયાવાદથી નીતિવ્યવસ્થાનો ભંગ થતો નથી. પરંતુ તેને બદલે તે નીતિનો પોષક બને છે. આનંદશંકર કહે છેઃ “નશ્મિા ' એટલું જ કહેતાં જગત સાથે નીતિ પણ ઊડી જાય, સત-રૂપ તેમજ કર્તવ્યરૂપ સમસ્ત વસ્તુ “અપ્રતિષ્ઠ' એટલે આધારરહિત થઈ રહે અને તત્ત્વવિચારમાં અને કર્તવ્યવિચારમાં શૂન્યવાદનો પ્રસંગ આવે એ ખરું, પરંતુ “બ્રહ્મ સત્ય' એટલે ઉમેરતાં, નીતિનો વિઘાત ન થતાં સ્વરૂપાંતર થાય છે - અર્થાત્ નીતિ એક લૌકિક વ્યવસ્થા મટી અલૌકિક પદાર્થ બને છે. અને પ્રાકૃત વ્યવહારની અધમતાથી મુક્ત થઈ બ્રહ્મની પવિત્રતાથી સિંચાય છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૯૯).
આમ નીતિની લૌકિકતાને સ્થાને તેની સાર્વત્રિકતા પણ માયાવાદથી જ પ્રતિષ્ઠિત થાય છે. કારણકે નીતિનો આધાર ઈહલોક ઉપર ન રહેતાં સર્વલોક ઉપર એટલે કે “ઈહ અને પર - ઉભય સંગ્રાહક બ્રહ્મ” ઉપર રહે છે, જેથી નીતિ સાર્વત્રિક બને છે. આમ માયાવાદનો પરમ ઉદેશ નીતિની પારમાર્થિકતાને સિદ્ધ કરે છે.
સામાન્ય નીતિ વ્યવસ્થા અને માયાવાદ અનુસાર નીતિવ્યવસ્થાનો ભેદ દર્શાવતાં આનંદશંકર કહે છે :
સામાન્ય નીતિવ્યવસ્થામાં માયાવાદ ફેર કરે છે. તે એટલો જ છે કે નીતિ ને સ્વરૂપાંતર પમાડવામાં જે જે વૃત્તિ અનુકૂળ હોય તેને પણ એ નીતિવ્યવસ્થામાં પ્રવેશ કરાવે છે એટલે કે એના સાધ્યને અનુકૂળ સાધન-પ્રાપ્ત એ આવશ્યક ગણે છે. એ સાધન- પ્રાપ્તિમાં અત્યાચાર થઈ સાધ્યનું વિસ્મરણ થઈ જાય એ માયાવાદને અન્ય નીતિવાદો જેટલું જ અનિષ્ટ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૯૯)
ઈશ્વરની આજ્ઞા છે કે જગતમાં રહી સદાચાર પાળવો એવા સેશ્વરદ્વૈતવાદીઓના મત કરતાં અદ્વિતીઓનો વસ્તુતઃ જગત ઈશ્વરથી અતિરિક્ત નથી એમ સમજી લઈ બ્રહ્માનુભવ રૂપે જગતની નીતિ આચરવી એ આનંદશંકરના મતે વધારે સાયક્તિક છે. આના સમર્થનમાં આનંદશંકર નોંધે છે :
“સર્વાત્મ બ્રહ્મવાદી અતીને તો જગત બ્રહ્મનો અવચ્છેદ કરી શકતું નથી. જગત પણ બ્રહ્મરૂપ જ છે. તેથી એણે જગત ત્યજી બ્રહ્મને એથી બહાર શોધવા જવાનું નથી, પણ જગતમાં જ જગતના વ્યવહારમાં જ બ્રહ્મનો અનુભવ કરવાનો છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૧૦૧)
આ રીતે આનંદશંકરના મતે માયાવાદથી સાંસારિક નીતિવ્યવસ્થા બ્રહ્મભાવથી પ્રકાશિત થાય છે અને સાર્વત્રિક બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org