________________
૯૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
બુદ્ધિ અને હૃદય ઃ
બ્રહ્મવિદ્યાના વિષયમાં આનંદશંકર બુદ્ધિ અને હૃદયનું સ્થાન તપાસે છે. બ્રહ્મવિદ્યાનો ઉદ્દેશ બાહ્ય જગતના અને આંતર જગતના તત્ત્વનું એટલે કે એમનામાં અધિષ્ઠાનરૂપે નિવસતા વાસ્તવિક પદાર્થનું અન્વેષણ કરી એનો સાક્ષાત્કાર કરવો એ છે. આ ‘વાસ્તવિક' શબ્દ આનંદશંકરના મતે અધિષ્ઠાન સત છે. આ અધિષ્ઠાન સતનું અન્વેષણ કરનારું સાધન તે બુદ્ધિ છે અને તેનો સાક્ષાત્કાર કરનાર સાધન હૃદય છે. અહીં આનંદશંકર પરમાર્થ સિદ્ધિમાં બુદ્ધિનું કાર્યક્ષેત્ર પણ સ્વીકારે છે. અધિષ્ઠાન સતનો હૃદયમાં જેમ જેમ અનુભવ થાય છે એમ એને પ્રમાણવા બુદ્ધિના કઠિન પુરુષાર્થની જરૂર છે. હૃદયમાં પરમપદાર્થ જે રીતે અનુભવાતો જાય છે એને બુદ્ધિ વડે સમજવાથી બુદ્ધિ પણ હૃદય સાથે વિકસતી જાય છે.
આનંદશંકર હૃદયમાં અનુભવાતા પરમતત્ત્વના અનુભવને પ્રમાણનારી બુદ્ધિની વિવેકશક્તિનો ઉપયોગ અત્યંત જરૂરી માને છે. બ્રહ્મસાક્ષાત્કારમાં હૃદય અને બુદ્ધિ બંને આનંદશંકર માટે સરખા મહત્ત્વના છે. લૌકિક ભેદને સ્થાને યથાર્થ રૂપે અભેદનો અનુભવ ત્યારે જ શક્ય બને કે જ્યારે બુદ્ધિનિષ્ઠા અને હૃદયની ઊંડી ધાર્મિકતા બંને હોય.
આ સંદર્ભમાં ‘રસ’, ‘પ્રેમ’ કે ‘અભેદ’નું ખરું સ્વરૂપ આનંદશંકર સ્પષ્ટ કરે છે. તેમના મતે, “દરેક ‘અભેદ’ કે ‘પ્રેમ’ કે ‘રસ'ની વાત બ્રહ્મસાક્ષાત્કાર નથી એ સમજવાનું છે. એક તરફ રસ વિનાનું જ્ઞાન (શુષ્ક બુદ્ધિ) બ્રહ્મસાક્ષાત્કારમાં અડચણ રૂપ છે. તેવી જ રીતે બીજી તરફ કેવળ ‘રસ’ કે ‘રસાભાસ' પણ માણસમાં વિવેકશક્તિનું ભાન રહેવા દેતો નથી. માત્ર અભેદની કલ્પનામાં રચ્યા રહેવું એ પણ બ્રહ્મસાક્ષાત્કારમાં અડચણરૂપ છે. તેથી ખરું જોતાં, ભેદને સાથે યથાર્થરૂપે અભેદનો અનુભવ થાય ત્યારે જ બ્રહ્મસાક્ષાત્કાર થયો ગણાય અને આ યથાર્થ દર્શન બુદ્ધિ અને હૃદય બંને વડે થાય છે.
ઉપરની સમગ્ર ચર્ચાને સંક્ષેપમાં એમ કહી શકાય કે, હૃદય સાથે બુદ્ધિના સહયોગની અનિવાર્ય આવશ્યકતા દર્શાવતા આનંદશંકરે બ્રહ્મવિદ્યામાં બુદ્ધિ અને હૃદયનો સરવાળો સ્વીકાર્યો છે. તેઓ બુદ્ધિના સહયોગ વિનાના હૃદયને અંધ અને હૃદયાનુસંધાન વિનાની બુદ્ધિને નિઃસાર ગણાવે છે. બંને સાથે મળીને બ્રહ્મસાક્ષાત્કારના સાધનરૂપ બને છે.
શ્રવણ :
બ્રહ્મવિદ્યા એ પરમવિદ્યા છે. તેમની ધર્મભાવના અને તત્ત્વભાવના પણ બ્રહ્મવિદ્યાને જ લક્ષ્ય કરે છે. આવા લક્ષ્ય સુધી પહોંચવા માટે મનુષ્યે કયાં સાધનો સ્વીકારીને આગળ વધવું એ વિષય પર આનંદશંકરે શાસ્ત્રોક્ત વિવરણ કર્યું છે. અલબત્ત એમની વિશાળ દૃષ્ટિએ અનેક અધિકારીઓ માટે આનંદશંકર વિવિધ પ્રકારના સાધનો સ્વીકારે છે. વ્યક્તિ પોતાના સ્વભાવને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org