________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૯૧
તે કરતાં અધિક જુસ્સો – ઉત્સાહ - પરાક્રમ પ્રેરી શકે નહિ. તેથી દ્વતથી પર અદ્વૈતની સ્થાપનાના તત્ત્વજ્ઞાનની આવશ્યકતા એ વિચારની સ્વાભાવિક ગતિ હતી અને તે વેદાંતમાં પરિસમાપ્ત થયેલી જોવા મળે છે.
આ રીતે આનંદશંકરે શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં પરમતત્ત્વનો વિચાર અન્ય ચાર દર્શનો તેમજ વેદાંતની અન્ય શાખાઓની સરખામણીમાં વધુ તાર્કિક અને સપ્રમાણ છે એમ બતાવી પગ્દર્શનમાં કેવલાદ્વૈતનું સ્થાન નિશ્ચિત કરી આપ્યું છે. બ્રહ્મવિદ્યા :
આનંદશંકર પરમતત્ત્વના જ્ઞાનરૂપી બ્રહ્મવિદ્યાની આવશ્યકતા સિદ્ધ કરે છે. તેઓ બ્રહ્મવિદ્યાને સર્વોચ્ચ વિદ્યા ગણાવે છે. તેમજ તેને માનવજીવનનું અંતિમ ધ્યેય માને છે.
બાહ્ય જગત અને આંતર જગતનો આધાર બ્રહ્મ છે. જગત એ આપણી દૃષ્ટિ આગળ દેખાતા અનેક વિવાર્તાનું નામ છે, માટે એવો કોઈક પદાર્થ હોવો જ જોઈએ કે જેના એ વિવર્તી છે. આવું જ્ઞાન એ જગત અને જગતના અધિષ્ઠાનની ઉભયની સાક્ષી પૂરે છે. બ્રહ્મવિદ્યાનું ક્ષેત્ર વિજ્ઞાનના જ્ઞાનથી તદ્દન નિરાળું છે.
આપણી દૃષ્ટિ આગળ દેખાતા અને આપણા અંતરમાં અનુભવાતા અનેક વિવર્તાનું અધિષ્ઠાન બહ્મ છે. એને અનુભવવા અંગેની વિદ્યા બ્રહ્મવિદ્યા છે. મનુષ્યના આંતરિક અને બાહ્ય જીવનમાં જે ગૂઢ સત્ત્વ રહેલું છે તેને જાણવાની વિદ્યા તે બ્રહ્મવિદ્યા છે. આ પરમવિદ્યા છે. ભારતીય સંસ્કૃતિના અલૌકિક સત્ત્વનું નામ “બ્રહ્મવિદ્યા છે.
બ્રહ્મવિદ્યા એ માણસનું આ જગત તરફ જોવાનું દૃષ્ટિબિંદુ બદલી નાખે છે. પોતાના અને જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય અંગેના પ્રશ્નો તરફ જોવાનું માનવીનું દૃષ્ટિબિંદુ તેનો આ જીવનમાં વ્યવહાર નિશ્ચિત કરે છે. તેની સર્વ પ્રવૃત્તિઓનો આધાર તેનું દૃષ્ટિબિંદુ છે. વ્યક્તિ પોતાને જડ પ્રકૃતિનો જ એક અંશ માને તો તેની એક વ્યક્તિ તરીકેની કોઈ જવાબદારી રહેતી જ નથી. જો વ્યક્તિ પોતાને દેહ સ્વરૂપ માને તો આ વિશાળ વિશ્વમાં તેની કોઈ ગણના રહેતી નથી. તે પોતાને વિનાશી માને તો પાપ-પુણ્ય કે સદાચારનો કોઈ આધાર રહેતો નથી. જે પ્રકૃતિનો ભાગ છે અને પ્રકૃતિથી નિયંત્રિત છે, એની કોઈ જવાબદારી રહેતી નથી. તેની સામે આનંદશંકર કહે છે કે, જો વ્યક્તિ પોતાને પરમાત્મા સ્વરૂપ માને અને તે માનવું સિદ્ધ થાય તો ઉપરના દરેક પ્રશ્નનું સમાધાન જુદી જ ભૂમિકાએ થઈ જાય છે. અને વ્યક્તિનું આ જગત તરફ જોવાનું દૃષ્ટિબિંદુ બદલાય છે. આત્મામાં બહારથી આવેલ કોઈપણ વસ્તુ એને માટે ભારરૂપ બની જાય છે. પરંતુ જે એ સ્વયં અંતરમાંથી ઉપજાવે છે એ તો એને આનંદ જ આપે છે. બ્રહ્મવિદ્યા આ રીતે પોતાની થઈ જતાં અખૂટ આનંદનો ઝરો થઈ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org