________________
દાર્શનિક ચિંતનવિશ્વ
આ પ્રમાણે વેદાંતના તત્ત્વવિચારની સ્થાપના કરી આનંદશંકર વેદાંતની વિવિધ શાખાઓનો પરિચય આપે છે :
(૧) વિશિષ્ટાદ્વૈત : પરમાત્મા અને પ્રકૃતિનો સંબંધ આત્મા અને શરીર જેવો છે. (૨) શુદ્ધાદ્વૈત : પરમાત્માને પ્રકૃતિરૂપે પરિણમી રહેલો ગણે છે.
(૩) કેવલાદ્વૈત : મિથ્યા ઉપાધિ માત્ર કરીને જ સર્વ ભેદ પ્રતીત થાય છે.
૮૯
જો કે મધ્વાચાર્યના દ્વૈત સિદ્ધાંતને આનંદશંકર વેદાંત એટલે કે ઔપનિષદ દર્શન ગણવા તૈયાર નથી. તેના કારણની સ્પષ્ટતા કરતાં આનંદશંકર કહે છે :
“મધ્વાચાર્યના દ્વૈતને વેદાંત એટલે કે ઔપનિષદ દર્શનનું નામ જ છાજતું નથી. કારણકે, જો કે એ ઉપનિષદ-વેદાંતનાં વાક્યોનો આધાર ટાંકે છે, તથાપિ એ વાક્યો એમના સિદ્ધાંતને ખરું જોતાં એટલાં બધાં પ્રતિકૂળ છે કે એ આધાર લેવાનો પ્રયાસ મૂળથી જ ખોટો છે. અન્ય ત્રણ શાખાઓને દરેકના પોતપોતાના મતને સમર્થક કાંઈક કાંઈક ઉપનિષદમાં મળી આવે છે જ, અને એમાં કેટલાંક વાક્યને મુખ્ય ગણી બાકીનાં વિરુદ્ધ લાગતાં હોય તેને મુખ્ય સાથે ઘટાવી લેવાં એ પ્રકારનો પ્રયત્ન થાય છે, જે સર્વથા નિરાધાર નથી.”(ધર્મવિચાર-૧, પૃ. ૧૩૦)
ઈશ્વરના અસ્તિત્વ તથા સ્વરૂપ સંબંધી આ દર્શનોના મતભેદ એમના પરમ પુરુષાર્થના માર્ગ સંબંધ કેવી અસર કરે છે તેની તપાસ આનંદશંકર કરે છે.
સાંખ્યદર્શન જીવાત્માનો પ્રકૃતિથી વિવેક કરવો એમ સૂચવે છે અને યોગદર્શન જીવાત્માથી પર ઈશ્વરમાં ચિત્ત જોડીને આત્માને કેવળ અનુભવવાનું દર્શાવે છે. વેદાંતે સાંખ્ય પાસેથી વિવેક લીધો અને યોગ પાસેથી ધ્યાનાદિ સાધન લીધાં. વેદાંતની દૃિષ્ટ પુરુષ અને પ્રકૃતિની પાર ગઈ. પુરુષ અને પ્રકૃતિ ઉભયને પોતામાં અનન્યરૂપે સંગ્રહતો એવો ઉત્તમ પુરુષ પરમાત્મા નજરે પડ્યો. આથી વિવેકની પાર અભેદજ્ઞાનની આવશ્યકતા પ્રતીત થઈ. યોગદર્શને જીવ અને ઈશના યોગને પરમ પુરુષાર્થ ગણ્યો ખરો. યોગનું ઈશ્વરનું અસ્તિત્વ અને ઈશ્વરમાં ચિત્તનું પ્રણિધાન બંને વાતો વેદાંત માન્ય રાખે છે તેમ છતાં ઈશ્વરનું સ્વરૂપ યોગદર્શને કહ્યું છે તેવું નહિ પણ પુરુષ માત્રના પોતાના સમષ્ટિ સ્વરૂપમાં ઈશ્વરનું સ્વરૂપ છે એમ વેદાંત સ્વીકારે છે. આનંદશંકરના મતે વેદાંતની ત્રણે શાખાઓ વિશિષ્ટાદ્વૈત - શુદ્ધાદ્વૈત અને કેવલાદ્વૈત - એક યા બીજી રીતે આ સ્વીકારે છે.
વિશિષ્ટાદ્વૈતમાં આત્મા પરમાત્માનું ધ્યાન કરે છે તે શરીરનું એક અંગ પોતાના શરીરી અંગીનું ધ્યાન કરે એ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org