________________
૮૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
કરીને તે અન્ય દર્શનોમાંથી કેવી રીતે ઉદ્ભવ્યા છે તે બતાવે છે. આ સંદર્ભમાં આનંદશંકર સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા તેમજ વેદાંતની વિવિધ શાખાઓનો તુલનાત્મક અભ્યાસ કરે છે.
મૂળ સાંખ્યદર્શનનો ઉપદેશ કે પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરવો તે વેદાંતને માન્ય છે. પરંતુ ઐતિહાસિક કાલક્રમમાં સાંખ્યના સિદ્ધાંતોનો જે વિકાસ થયો તે સિદ્ધાંતો વેદાંતથી વિરુદ્ધ છે.
યોગ દર્શને સાંખ્યમાં બે સુધારાવધારા કર્યા. સાંખ્ય પ્રકૃતિ પુરુષના વિવેક આગળ આવીને અટક્યું હતું. એ વિવેક સિદ્ધ કરવાનો સાધનામાર્ગ યોગદર્શને આપ્યો. જ્યાં સુધી યોગના સિદ્ધાંતો વેદાંતના પરમ ઉદેશ જ્ઞાનપ્રાપ્તિને સિદ્ધ કરવામાં મદદરૂપ હતા ત્યાં સુધી વેદાંત તેમને સ્વીકાર્યા છે. પરંતુ યોગમાં વેદાંતના જ્ઞાનમાર્ગની અવગણના થઈ એટલે અંશે યોગ વેદાંતને માન્ય નથી. મનુષ્યના ઉદ્ધાર અર્થે યોગદર્શનને ઈશ્વરની આવશ્યકતા જણાઈ તે પણ વેદાંતને માન્ય નથી.
વૈશેષિક અને ન્યાયદર્શન લૌકિક રીતે જ તત્ત્વજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરે છે એવો આનંદશંકરનો મત છે. અનુમાન પ્રમાણ વડે વૈશેષિક અને ન્યાય ઈશ્વરને સિદ્ધ કરે છે જે વેદાંતને માન્ય નથી.
વેદાંત એક તરફ સાંખ્ય અને યોગ અને બીજી તરફ વૈશેષિક અને ન્યાય એ બંનેના સિદ્ધાંતો તપાસે છે અને તે બંને સામસામા પક્ષને એકત્ર કરીને પોતાનો પ્રકૃતિ - પરમાત્મા અદ્વૈતનો સિદ્ધાંત સ્થાપે છે. વેદાંત એક તરફ ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરે છે અને બીજી તરફ એનું જ ખંડન કરે છે. આવા પરસ્પર વિરુદ્ધ પ્રતિપાદનો કરી વેદાંત એ બંનેની પાર રહેલા ઉચ્ચતર તત્ત્વનું સૂચન કરે છે : “વિકારિત્વ બેશક પ્રકૃતિમાં અંકાઈ રહેલું છે, પણ તે સાથે એ વિકારમાં પણ કાંઈક રચના-ચૈતન્યની છાપ-પ્રતીત થાય છે. ત્યારે એમાંથી એક જ વાત સમજાય છે કે વિકારિત્વ બહારના ચેતનમાંથી આવીને પ્રકૃતિમાં પડ્યું નથી; અને તે સાથે એ પ્રકૃતિનું પોતાનું પણ નથી, કારણકે પ્રકૃતિ તો અંધ છે, અને આ વિકાર તે અદ્ભુત રચનાવાળો છે. માટે ઉભય પક્ષને યોગ્ય ન્યાય આપવા માટે પ્રકૃતિ અને પરમાત્માને એક બીજાથી જુદાં ન રાખતાં, તેમની મહેમાંહે ગૂંથણી માનવી, ગૂંથણી તે દોરાના જેવી નહિ, કારણકે દોરાઓ તો એકબીજાથી જુદા જુદા હોઈ એકઠા ગૂંથાય છે. જડ વસ્તુ પ્રમાણે પ્રકૃતિ અને પરમાત્માને જુદાં માની એકઠાં ગૂંથીએ તો તો જે દોષનો સાંખ્ય ને ડર લાગ્યો હતો એ દોષ કાયમ રહે – પ્રકૃતિમાં વિકારિત્વ બહારથી આવી પડે, પ્રકૃતિ પોતે સ્વભાવે અવિકારી ઠરે ! માટે મૂળથી જ પ્રકૃતિ અને પરમાત્માને એકઠાં માનવાં, એમ વેદાંતનો સિદ્ધાંત છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૧૨૮૧૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org