________________
શ્રી સાયલેથી લિ. આપનો સેવક આજ્ઞાંકિત સોભાગ લલ્લુના નમસ્કાર વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર ગઈ રાત્રે આવ્યો તે પહોંચ્યો છે. આપને રેવાશંકરભાઈ પાસે મોરબી જાવા વિચાર કરેલ પણ રેવાશંકરભાઈ એકદા (એકાદા) દિવસમાં વિવાણિયે આવવા સંભવથી માતુશ્રીની આજ્ઞાથી રહેવાનું થયું તે ઘણું કરી રવિવાર સુધી સ્થિતિ થાશે એમ જણાવ્યું. તો હવે જરૂર સોમવારે ત્યાંથી વિદાય થાઈ અહીં પધારશો. જેમ બપૈયો પેયુગેયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ. રેવાશંકરભાઈ મોરબી પધાર્યા તેને આશરે દન ૧૦ થયા એટલે તમે ધારતા હતા કે હવે આજકાલ પધારશે. પણ હજુ આવવાની તારીખ મુકરર થતી નથી. તો આપની ઇચ્છા. અમારા લખવા ઉપરથી દયા લાવી પધારવાની છે. એમ છતાં લંબાણ થાય છે. તો અંતરાય હજુ તૂટી નહીં નીકર (નહિતર) આમ શા સારું બને ?
અહો અહો શ્રી સદ્ગુરુ, કરુણા સીંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર.” હવે જેમ જલદી પધારવું થાશે તેમ આશા રાખી રટણ કરું છું. ઈડર જાવા (જવા) ખાતે વિચાર મંગાવ્યો. તો ત્યાં ગયા વિના છૂટકો નથી. હવે પૂરી રીતે વંચાતું, લખાતું નથી. તેમાં વળી ક્યારેક મુદ્દલ દસક્ત (અક્ષર) સૂજે નહીં. થડમાં આવેલા માણસ માંડમાંડ ઓળખાય એવી ઝંખાશ આવી ગઈ છે. દિનદિન ઝંખાશ વધતી જાય છે. તારે (ત્યારે) એમ જાણું છું કે હવે ઝાઝી મુદત સુધી દેખવું રહેશે નહીં. અંધાપા સમાન દુઃખ નથી પણ પુરવના (પૂર્વેના) ઉદય ભોગવવા એમ જાણી ખેદ કરતો નથી. અને ઈડર જાવા વિચાર છે. પણ હજુ મને રાતે રાતે તાવ આવે છે. તેથી શરીરની શક્તિ દબાતી જાય છે. તે સુવાણ આવ્યા વિના ઈડર શી રીતે જવાય. અને શક્તિ આવે તો ઈડર જવા વિચાર છે. ગોસળિયો, લેરાભાઈ (લહેરાભાઈ) હાલ કાંઈ વાંચવા વિષે જવાબ મંગાવ્યો તો ગોસળિયો આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે. તેમ જ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠ કરા (કર્યા) છે. અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયાં તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજસુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપ કૃપા કરી ટીકા અરથ (અર્થ) મોકલવા લખો તે જો હવે તરતમાં આવે તો વાંચી આનંદ લેવાય નીકર (નહિતર) પછી આંખે સૂજે નહિ ત્યારે વાંચી શકાય નહિ અને જ્યારે પોતાથી વંચાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તેવો આનંદ આવે નહિ માટે કૃપા કરી મોકલાવશો. ઘણું શું લખું ?
૧૮૨.
.. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org