________________
એકકે પ્રદેશ અનંતી પરજાય (પર્યાય) કીધી તો પરજાય (પર્યાય) તે પુદ્ગલી કેવાય (કહેવાય) કે કેમ ? જો પુદ્ગલી કીએ (કહીએ) તો આત્માનો પ્રદેશ તે ચેતન જ હોય અને પ્રદેશમાંથી પરજાય (પર્યાય) કલ્પી તો તે પણ ચેતનની જ હોવી જોઈએ. તો તેનું શું સમજવું ?
સરવે (સર્વે) જીવ સરખા છે અને જ્ઞાન બધા જીવને છે પણ વધારે ઓછું છે અને જ્ઞાન એ આત્મા તાર (ત્યારે) સરખાપણું કેમ નથી ? તારે (ત્યારે) જેવા પુદ્ગલ ગ્રહણ કરે તેવું જ્ઞાન જાણવું કે કેમ ? ત્યારે જ્ઞાન એ આત્મા કેમ કહેવાય ?
ગોસળીઆનું કેવું (કહેવું) પરજાય (પર્યાય) તો તાટક (તરટક) છે. મને તેનું કેવું (કહેવું) અનુભવમાં આવતું નથી. આપ સાહેબની મુખે વાણી સાંભળવાથી નિશે (નિશ્ચય) થાશે. બીજા કોઈના કેવાથી (કહેવાથી) નિશ્ચય થાવો મુશ્કેલ. કારણ આપના જેવો બીજો હાલમાં કોઈ સમજતાં હોય એવા મારા જોવામાં આવો (આવ્યો) નથી. હવે જેમ બને તેમ આત્મા વિષેની સમજણ કરવી એમ મનમાં થયું છે.
વ. પત્રાંક - પ૭૧
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સો આઠ એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો તે પરિણામે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે; કેમ કે તેનું પરિમાણ એટલું વિશેષ છે; અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી, અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી.
જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે. એ પ્રકારના જે જે પ્રશ્નો હોય તો તે સમાધાન થઈ શકે એવાં છે, કોઈ પછી અલ્પ કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે.
૧૪૪
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org