________________
શ્રી સોભાગભાઈના પત્રોમાં તેમની સાંસારિક વ્યથા-ધાર્મિક પ્રશ્નો-કૃપાળુદેવ પ્રત્યેનો ઉચ્ચતમ ભક્તિભાવ-જગતના જીવો પ્રત્યેનો કલ્યાણભાવ–શ્રીમદ્જીને સર્વસંગપરિત્યાગ કરવા માટેની વિનંતી જેવા અનેક ભાવો પ્રદર્શિત થયેલા છે. શ્રી સોભાગભાઈને દરેક પત્રોને શ્રીમદ્જી ખૂબ આદર અને રુચિપૂર્વક વાંચતા. તેના એક એક શબ્દની સૂક્ષ્મતાને સમજી જ્ઞાનેશ્વર શ્રીમજી તેમને યથાર્થ ઉત્તર આપતા. શ્રી સોભાગભાઈ શ્રીમદ્જી પાસેથી આવતી પત્રપ્રસાદીની આતુરતાપૂર્વક રાહ જોતા. વારેવારે ઘરના ઉંબરામાં આંટો મારતા, ટપાલીની રાહ જોતા. શ્રીમદ્જીના પત્રો સોભાગભાઈને મન આગમ તુલ્ય હતા. શ્રીમદ્જીનાં વચનોને એકાગ્રતાપૂર્વક અને ખૂબ ઉલ્લાસિત પરિણામે તેઓ અનેકવાર વાંચતા. તેમનાં વચનોને આત્મસાત્ કરવા માટે તેનું સતત પરિશીલન કરતા. કૃપાળુદેવ પોતાના પત્રમાં લખે છે કે (વચનામૃતજી પત્રાંક-૧૬૬) : “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે ?”
જેમ ચાતક પક્ષી સ્વાતિબિન્દુને ઝીલવા માટે આતુર રહે છે તેમ શ્રી સોભાગભાઈ શ્રીમદ્જી સન્મુખ થઈ પોતાની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવા આતુર રહેતા. માટે જે પુરુષના એક એક વચનમાં અનંત આગમનો સાર રહ્યો છે તે અનુભવી શકતા.
પરમકૃપાળુદેવે જે પત્રો શ્રી સોભાગભાઈ ઉપર લખ્યા તે બધા જ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતજીમાં પ્રાપ્ત થાય છે. પરમકૃપાળુદેવની હાજરીમાં જ મહામુમુક્ષુ અંબાલાલભાઈએ તે સમયના સમકાલીન મુમુક્ષુઓ ઉપર લખાયેલા પરમકૃપાળુદેવના પત્રોને એકત્ર કરી સાચવી રાખ્યા હતા. શ્રી સોભાગભાઈએ લખેલા પત્રો જાળવી શકાયા નથી, છતાંયે સદ્ભાગ્યે પ૬ જેટલા પત્રો મળી આવ્યા છે. સોભાગભાઈના દેહવિલય પછી તેમના પુત્રો મણિભાઈ તથા ચંબકભાઈ તરફથી લખવામાં આવેલ થોડા પત્રો સાથે અહીં આ પ્રકરણમાં આ બન્ને દયસખાની આધ્યાત્મિક સખાવતનો, પરમાર્થ વાત્સલ્યનો તેમ જ ધર્મબંધુત્વનો સુમેળ જોવા મળશે.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org