________________
પ્રકરણ - ૧3 શ્રી રાજ-સોભાગ પટાવ્યવહાર – જ્ઞાન ગંગાનું અવગાહન
શ્રી સદ્ગુરુની દિવ્ય ચેતના શિષ્યને વાસ્તવિકતાની સભાનતા તરફ લઈ જાય છે. સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થતો યથાર્થ બોધ શિષ્યની મિથ્યાદૃષ્ટિ અને વિપર્યાસ બુદ્ધિને દૂર કરી તેનામાં સમ્યમ્ દષ્ટિ તેમ જ પ્રજ્ઞા ખીલવે છે.
શ્રી ગુરુનો બોધ શિષ્યના અંતરમાં જ્ઞાનપ્રકાશ પાથરે છે ને શિષ્યમાં રહેલ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે. સગુરુ થકી શિષ્ય સત્ દેવ અને સતુ ધર્મને યથાર્થ રીતે ઓળખી શકે છે. શ્રી ગુરુના આદેશની જ્યારે શિષ્ય મૂર્તિ બને ત્યારે ગુરુ-શિષ્ય યોગ સર્વોચ્ચ અને ઉત્કૃષ્ટ પ્રમાણમાં હોવાનું ગણાય છે. શ્રી ગુરુની આજ્ઞા, શ્રી ગુરુનો ઉપદેશ જ્યાં પૂર્ણ પણે અનુસરવામાં આવે છે ત્યાં બધું શુકનિયાળ અને કલ્યાણકારી હોય છે.
પરંપરાએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ વડે ઉત્તરોત્તર ધર્મ પ્રવહી રહ્યો છે. જ્ઞાની ગુરુ અને આદર્શ શિષ્યનો મેળાપ થાય ત્યારે ચૈતન્યનો ચમત્કાર સર્જાય છે. આ પરસ્પરના યોગથી એક પ્રગટ જ્ઞાન ચેતના બીજી જ્ઞાનચેતનાને પ્રદિપ્ત કરે છે. પ્રગટ આત્માની જ્ઞાનશક્તિની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યક્તિ જ્ઞાનોપાર્જન કરી શકે છે. સ્પર્શ દ્વારા અને સંપર્ક વડે જ પારસમણિ લોઢાનું સોનું બનાવે છે. પણ ગુરુરૂપ પારસમણિ શિષ્યને પોતાસમાન પારસમણિ બનાવે છે.
આવું જ બન્યું હતું. શ્રી સોભાગભાઈના પારમાર્થિક જીવનમાં. દિવ્યભાસ્કર શ્રીમદ્જીના જ્ઞાન કિરણોનો સ્પર્શ થતાં કોઈ અલૌકિક ઉષ્મા અને ઉર્જાનો સોભાગભાઈમાં સંચાર થયો. સાત વર્ષના આધ્યાત્મિક સંબંધ દરમ્યાન પરમકૃપાળુદેવ તેમ જ શ્રી સોભાગભાઈ પ૬૦ દિવસ સાથે રહ્યા. આ બન્ને દિવ્યાત્માઓનું આધ્યાત્મિક ઋણાનુબંધ અનેરું હતું. એકબીજા પ્રત્યેનો ધર્મસ્નેહ એટલો પ્રચુર હતો કે બન્નેને એકબીજાનો વિરહ વેદાતો. કર્મના સંજોગોને કારણે અહર્નિશ સાથે રહેવાનું તો ક્યાંથી બને ? તેથી પ્રત્યક્ષ સમાગમ સિવાયના બાકીના સાડા પાંચ વર્ષના પરોક્ષ સમાગમ કાળ દરમ્યાન સોભાગભાઈએ ૫૦૦ જેટલા પત્રો પરમકૃપાળુદેવ શ્રીમદ્જીને લખ્યા તો શ્રીમદ્જીએ પોતાના આ સ્ક્રયસખા અને સુશિષ્ય શ્રી સોભાગભાઈ ઉપર ૨૫૦ જેટલા પત્રો લખ્યા છે. સરેરાશ બે થી અઢી દિવસે એક અથવા બીજી બાજુએથી પત્ર મોકલવાનું થયું છે. આ જ સૂચવે છે કે બન્ને આત્માઓનો સંબંધ કેટલો નજીકનો કેટલો ઘનિષ્ઠ હતો...!
૧૦૬
» દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org