________________
પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ.
કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. (પત્રાંક-૭૮૦, પાના નં.-૬૦૪)
શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. (પત્રાંક-૭૮૨, પાના નં.-૬૦૬)
શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. (પત્રાંક-૭૮૩, પાના નં.-૬૦૬)
આર્ય સોભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. (પત્રાંક-૭૮૬, પાના નં.-૬૦૮)
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. (હાથનોંધ-૨/૨૦, પૃષ્ઠ-૪૫, પાના નં.-૮૨૪)
રાજદય - અમૃત રત્નકણિકા
Jain Education International
For Personal & Private Use Only
૧૦૫
www.jainelibrary.org