________________
૬
કાવ્ય ઉન્મેષ : મધ્યકાલીન જૈન અને જૈનેત્તર સાહિત્યમાં તાલબદ્ધ રીતે ગાઈ શકાય એવી વિવિધ પ્રકારની દેશીઓ રચાઈ હોય તેવું જોવા મળે છે. સંગીતના વિવિધ રાગો અને ઢાળ વૈવિધ્ય કવિ ઋષભદાસની રચનાઓમાં પણ જોવા મળે છે. કવિને સંગીત પ્રત્યે અભિરુચિ હશે, તેવું જણાય છે. તેમની રાસકૃતિઓમાં સંગીતના વિવિધ રાગો પણ પ્રયોજાયેલા છે. તેમને તત્કાલીન પ્રચલિત દેશીઓ, ઢાળો અને ચોપાઈઓ સાહજિકતાથી પોતાની રચનામાં ગૂંથી છે. તેમની ઢાળોમાં અવનવું વૈવિધ્ય છે. દેશીઓ વિશેની યાદી આ પુસ્તકના પરિશિષ્ટ વિભાગમાં મૂકેલી છે. કવિએ પ્રસ્તુત રાસમાં આસરે ૫૮ જેટલી ભિન્ન ભિન્ન દેશીઓનો ઉપયોગ કર્યો છે, જેની સાથે વિવિધ રાગો પણ પ્રયોજ્યા છે.
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
(ઢાળ : ૪) ભીલકન્યા રાજકુમાર શ્રેણિકને જોઈ અભિભૂત થઈ. તે પ્રસંગ વર્ણન માટે કવિ મલ્હાર રાગ પ્રયોજે છે. મલ્હાર રાગ આનંદનો ઘોતક છે. (ઢાળ : ૮) કવિ ધનાવાહ શેઠની દુઃખી અવસ્થા દર્શાવવા પરજિયો રાગ પ્રયોજે છે. સામાન્યતઃ પરજિયો રાગ વિલાપ કે શોક પ્રસંગે પ્રયોજાય છે. વળી પ્રસ્તુત રાસમાં રામગ્રી રાગ પણ પ્રયોજાયેલો છે; જે કરુણતા નિરૂપણ માટે ઉપયોગમાં લેવાતો હોય છે. કવિ યુદ્ધ પ્રયોજન પ્રસંગે સિંધૂડો રાગ પ્રયોજે છે. આ રાગ ભાટ ચારણો દ્વારા શૂરાતન લાવવા માટે ગવાતો હતો. કવિએ મધ્યકાલીન પરંપરા અનુસાર કાવ્યને અંતે કળશ રચનાનો પ્રયોગ કર્યો છે, જેમાં ધન્ધાશ્રી રાગ છે.
તેમની રચનામાં દુહાનો પ્રયોગ થયો છે. કવિનો ચોપાઈ તરફનો ઝોક પણ જોવા મળે છે. સંસ્કૃત ‘ચતુષ્પદી’ શબ્દ પરથી ‘ચોપાઈ’ શબ્દ બન્યો છે. છંદબદ્ધ કાવ્ય રચનાને ચોપાઈ કહે છે. ચોપાઈ માત્રામેળ છંદ છે. તેના ચાર ચરણ છે. દરેક ચરણની પંદર માત્રા છે. અહીં કાવ્ય પ્રકારના અર્થમાં ચોપાઈનો પ્રયોગ થયો છે. તેમની ઘણી રાસકૃતિઓમાં ચોપાઈનો સફળતાપૂર્વક ઉપયોગ થયો છે. તેમના સમકાલીન સમયસુંદર અને નયસુંદરની રચનાઓમાં પણ દુહા, છંદ, ચોપાઈ, ઢાળ અને ગુજરાતી ગીતો જોવા મળે છે. કવિની સંગીત વિષયક જાણકારી ઉલ્લેખનીય છે, જે તેમના ગેય ગીતોમાં સ્પષ્ટ તરી આવે છે. તેમણે ‘કવિત’ અને ‘કુંડલીઉં’ જેવા છંદો પણ યથોચિત પ્રસંગે વાપર્યા છે. હિન્દી અને રાજસ્થાની સાહિત્યમાં આ છંદોનો ઉપયોગ જોવા મળે છે.
ભાષા પ્રભુત્વ કવિ ઋષભદાસની ભાષા તે સમયની લોકભાષા હોવાથી આજના વાચકને ઓછી પરિચિત હોઈ શકે. આ રાસકૃતિનું સર્જન સામાન્ય જનતાને લક્ષમાં રાખી ક૨ી હોવાથી ભાષા સરળ, સ્વાભાવિક અને સુંદર છે. કવિ ઋષભદાસે જીવંત ભાષાનો વિનિયોગ કર્યો છે. તેમણે પોતાની આવડતનું પ્રદર્શન કરવા અકારણ ભાષાનું પોત ગૂંચવ્યું નથી. તેમણે ભાવને પુષ્ટ કરે તેવાં કેટલાંક અલંકારો પ્રયોજ્યા છે. તેમણે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા તેમજ અર્થાન્તરન્યાસ અલંકારોનો પ્રયોગ કર્યો છે. આ અલંકારો પ્રાયઃ પરંપરાગત
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org