________________
પ્રકાશકનું નિવેદન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સંચાલિત શ્રી પરમકૃતપ્રભાવક મંડળ દ્વારા, સાક્ષરરત્ન ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા લિખિત આ ‘અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતાં અત્યાનંદ થાય છે.
અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દિ પ્રસંગે ‘શતાબ્દિસ્મારક' ગ્રંથ તરિકે આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ આ સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ હતી અને આનું પ્રકાશનશ્રેય સદ્ગત પુણ્યાત્મા મુમુક્ષુ શ્રી મણિભાઈ કલ્યાણજી શેઠને પ્રાપ્ત થયું હતું.
એ તો સુવિદિત છે કે તે અવસરે અને ત્યાર પછી ગ્રંથ સર્વત્ર પરમ આદર પામ્યો છે, તેમજ અભ્યાસી મુમુક્ષુઓમાં અને જિજ્ઞાસુ જનસમાજમાં અતિપ્રિય બન્યો છે. એટલું જ નહીં પણ અમેરિકા લંડન આદિ સ્થળોની મુમુક્ષુઓએ પણ આ ગ્રંથ પ્રત્યે પરમાર્થ પ્રેમ વ્યક્ત કર્યો છે.
આ ‘અધ્યાત્મ રાજચંદ્ર' શ્રીમદ્ રાજચંદ્રના મહાન ભક્ત વિદ્રતવર્ય ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાનું સંશોધનાત્મક મૌલિક સર્જન છે. પરમકૃપાળુ દેવની ઊર્ધ્વગામિની અલૌકિક અધ્યાત્મદશાનું ઉત્કીર્તન કરતો અને પરમકૃપાળુ દેવનો મહિમાતિશય ઉદ્ઘોષતો આ “અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ અધ્યાત્મચરિત્ર વાડ્મયમાં ખરેખર અદ્વિતીય છે.
જન્મશતાબ્દિના અવરાર પછી થોડા સમયમાં જ આ ગ્રંથની લગભગ બધી પ્રતો ખપી ગઈ હતી અને ગ્રંથ અપ્રાપ્ય બન્યો હતો. મુમુક્ષુઓની ઘણી માંગ રહેવાના કારણે આ દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરવાનો આશ્રમના ટ્રસ્ટીમંડળે નિર્ણય કર્યો અને તે અનુસાર આ ગ્રંથ ભવ્યાત્માઓના કરકમળમાં આવે છે. વિ.સં. ૨૦૪૭, મહા સુદ પંચમી (વસંત પંચમી) તા. ૨૧-૧-૧૯૯૧ મનુભાઈ ભ. મોદી
અધ્યાત્મ રાજચંદ્રની દ્વિતીયાવૃત્તિ વિ. સંવત ૨૦૪૭માં છપાવેલ, જે બધી જ પ્રત ખપી જવાથી–આ તૃતીયાવૃત્તિમાં ૨૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે તે જ આ પુસ્તક પ્રત્યેની સત જિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે.
નવનીત પબ્લિકેશન્સ (ઈ) લી. ના શ્રી બીપીનભાઈ ગાલા એ આ પુસ્તક છાપવામાં અંગત કાળજી લીધેલ છે જેથી સુંદર રીતે આ પુસ્તકનું પ્રકાશન થયું છે. મુમુક્ષુઓને આત્મોન્નતિમાં આ “અધ્યાત્મ રાજચંદ્ર” ઉપકારી થાઓ એ જ અભ્યર્થના.
વિ. સંવત ૨૦૪૯, જેઠ સુદ બારસ, તા. ૧-૬-૧૯૯૩
મનુભાઈ ભ. મોદી