________________
[૬૪]
મહા પુરુષોની ઉદાત્તતાની ઝાંખી કરાવતી એવી ઘટનાઓ તેઓના જીવનમાં બને છે ત્યારે સામાન્ય જનસમુદાયને તેમના નિઃસ્પૃહ વ્યક્તિત્વની કંઈક પિછાન થાય છે. સં.૧૯૮૦ ના પર્યુષણમાં પૂનામાં કેટલાક ભાઈઓએ શ્રી મોહનભાઈને (પ્રભુશ્રીજીના પુત્રને) બોલાવી પ્રભુશ્રીની ગેરહાજરીમાં તેમની ગાદી ઉપર બેસવાનું કહ્યું પણ તેમણે ના પાડી. એટલે તેમણે તેમને પરાણે ખેંચીને બેસાડ્યા અને મંગલાચરણ કરી ભક્તિ કરી. તે વાત પ્રભુશ્રીએ જાણી એટલે બીજે દિવસે તેમનો પુણ્યપ્રકોપ પ્રકાશી ઊઠ્યો :–
“આ તે શું કહેવાય ? શું સ્વામીનારાયણની ગોડે સંસારીને ગાદી ઉપર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે ? માર્ગ આવો હશે ? અનંત સંસાર રઝળવાનું કારણ આવું ક્યાંથી સૂઝ્યું ? તમારામાંથી પણ કોઈ ન બોલ્યું ? એ ગાદી ઉપર પગ કેમ મેલાય ? અમે પણ નમસ્કાર કરીને એની આજ્ઞાએ બેસીએ, ત્યાં આમ સ્વચ્છંદ કરીને આમ કરવું ઘટે ?.... તેને પરાણે દાબીને બેસાડ્યો એમાં એનો શો વાંક ? પણ કોઈને ના સૂઝ્યું કે આમ તે થાય ?''
બીજે દિવસે સ્તવનમાં જ્યારે
“ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ
જિનેસર.''
એમ ગવાયું ત્યારે ફરીથી તે પ્રસંગને લક્ષીને કહ્યું :–
“એમાં શો મર્મ રહ્યો છે ? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે ? કુલવંશ અને એ સગાઈ બધી તે શું આ શરીરની એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. એ તો સમકિત સાથેની સગાઈની વાત; અને સમકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ, પેઢી ખોળી કાઢી ! પ્રભુ, એ તો એનું યોગબળ છે તે એ જગાનો દેવ જાગશે ત્યારે થશે....
અમે તો અજ્ઞાતપણે (છૂપા) જડભરત પેઠે વિચરતા હતા. તેમાં આણે (રણછોડભાઈએ) પેણું ફોડ્યું (પ્રસિદ્ધિમાં આણ્યા). એવા કાળમાં કંઈક એની સેવાભક્તિને લીધે સંતની આંતરડી ઠરી. તેની દુવાને લીધે આ જે કંઈ છે તે; પણ આ કાળમાં જીવવું મુશ્કેલ છે....
જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. (પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી) એને શરણે અમે તો બેઠા છીએ...
નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઇચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ કે નથી કોઈને અવળો રસ્તો બતાવવો કે નથી પૂજા-સત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહા પાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે; વાચા બંધ થઈ જાય, મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org