________________
૪૮૬
ઉપદેશામૃત
વ્યવહારમાં એવું બને છે કે કોઈની સાથે તમારે ઓળખાણ હોય તો તેની સાથે લેણદેણ શરૂ થાય છે. પછી વધારે ઓળખાણ થાય ત્યારે તેની સાથેના વહેવારની કાંઈ ધાસ્તી લાગતી નથી. તેમ આ જીવે હજુ આત્માનો વહેવાર કરવા માંડ્યો નથી. તેમ કરવા માંડે તો વિશ્વાસ બેસી જાય અને ઓળખાણ થાય. ઓળખાણ થયા પછી શ્રદ્ધા આવે એટલે પછી કંઈ ફિકર થાય નહીં. અત્યારે આ જીવ મિથ્યાત્વમાં પરિણમી રહ્યો છે, સુખદુઃખની મિથ્યાત્વથી માન્યતા થઈ રહી છે; બાકી સુખદુ:ખ મિથ્યા છે. એક વખત શ્રદ્ધા થઈ જાય તો બઘો બોજો ઊતરી જાય. તાપ સખત પડતો હોય, માથે બોજો હોય, ત્રાસ-ત્રાસ થઈ રહ્યો હોય તેવા માણસનો બોજો ઊતરી જાય અને તેને છાયામાં આનંદથી બેસવાનું સ્થાન મળે તો કેવી નિરાંત થાય ? તેમ આનંદમય આત્માની શ્રદ્ધા થવાથી સુખ-દુઃખનો બોજો ઊતરી જઈ નિરાંત થાય.
દ્રવ્ય બે છે : જડ અને ચેતન. પણ મિથ્યાત્વના કારણને લઈ આ જીવ જડને જડ ઓળખતો નથી અને ચેતનને ચેતન જાણતો નથી. જેમ આંધળો અને અજાણ્યો બરાબર છે તેવો થઈ ગયો છે. જે જે વસ્તુ જુએ છે તેને જડરૂપે માનતો નથી. તેની પર્યાયબુદ્ધિ છે, એટલે પર્યાય જુએ છે અને તેના નિમિત્તથી રાગ-દ્વેષ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org