________________
૪૬૬
ઉપદેશામૃત તેની જાણ થઈ છે તેની પ્રતીત થઈ જાય, તેની માન્યતાએ માન્યતા બંધાઈ જાય તો દીવો થાય. તેમાં બ્રહ્મચર્ય તે બહુ પાત્રતા આપનાર સાધન છે. તેથી દેવગતિ પામે. સત્ શ્રદ્ધા કરવી તે મુખ્ય વાત છે. તેવી જ આસ્થા હિતકારી છે. બીજી વસ્તુ ઉપરથી પ્રેમ છે તે ઉઠાડી એક આત્મા ઉપર પ્રેમ લાવે તો કલ્યાણ થાય. તે ઉપર લક્ષ દેવા જેવો છે. આ અપૂર્વ અવસર આવ્યો છો. આત્મા છે, ભાવના તે જ કરવાની છે. ઘણા જીવોને કલ્યાણનું કારણ થશે. ત્યાગની બલિહારી છે! બને તેટલો ત્યાગ કર્તવ્ય છે. જીવના અનંત દોષ છે. જેટલો ત્યાગ કર્યો તે હિતકારી છે. દ્રવ્ય પચખાણ, ભાવ પચખાણ તે આત્મા કરવાથી વિશેષ હિતકારી છે. ભાવ પ્રમાણે ફળ છે, તે ભગવાનનું વચન બઘાને લક્ષમાં રાખવાનું છે.
ઘણાનું કલ્યાણ થશે, કામ થઈ જશે. આત્માર્થે બધું કરવું જોઈએ. વિકલ્પનો ત્યાગ થયો એટલે અમૃત થયું, આત્માનું હિત થયું. બાળાભોળા જીવો ઘણા આવ્યા છે, લાભ ઘણાને થયો. કહેવાની મતલબ કે આત્માર્થે કરવું, દેહ અર્થે નહીં. ત્રણ યોગ બંઘન છે. જ્ઞાનીએ જાણ્યો તે આત્મા માન્ય થાય તો કલ્યાણ છે. યોગ્યતાની ખામી છે. જીવે કરવું જોઈએ. કર્યા વગર છૂટકો નથી. સ્વભાવ પલટાવવો જોઈએ. હાંસી વઘારી વધે અને ઘટાડી ઘટે. જીવે સપુરુષાર્થ કરવો પડશે. પકાવવું તો જોઈશે. પૂર્વકૃત કંઈ જોઈએ છે. દુર્લભ શ્રદ્ધા છે. પ્રમાદ, આળસને વશ જીવ કંઈ કરી શકતો નથી. દિવસે કામ કરવાનું તે અંધારામાં કરે તેથી દહાડો ન વળે. મનુષ્યભવમાં બધું સમજાય. જીવને જાગવું જોઈએ. જીવે પલટાવું તો પડશે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.” પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું છે.
તા. ૧૨-૯-૩૫ પ્રમાદથી અને વૈરાગ્ય વિના અટકી પડ્યું છે. કરવાનું બહુ સહેલું છે; વળી બહુ મુશ્કેલ પણ છે. માનવાનું, જોવાનું આટલું જ કરવાનું છે. જડ ને ચેતન્ય બે જાણવાના છે. આટલી ઓળખાણ પડવી જોઈએ; પછી વાંધો નહીં.
તમે બઘા બોલી ગયા બરાબર, કંઈ ના કહેવાય નહીં. પણ બધું વાંકું કરવાનું શું? સમક્તિ. લોકો મથી મથીને મરી ગયા, હાથ ન આવ્યું. સમકિત થયું કે બધું થયું. દીવા વિના અંઘારું કેમ જાય ? દીવો થયા પછી સાપ, વીંછી બધું દેખાય. ઢાંકી દીઘો છે. દીવો ક્યાં નથી? પ્રમાદ, આળસ અને થોથાં ખાંડવામાં દિવેલ બાળ્યું ! “આત્મસિદ્ધિ' ચિંતામણિ છે. અહો ! જ્ઞાની કેવું કહી ગયા ! “જગતને, જગતની લીલાને બેઠાં બેઠાં મફતમાં જોઈએ છીએ.” ભૂલ મૂકવી પડશે. “દરવાજો, દરવાજો' કહ્યું દરવાજો નહીં આવે. ચાલવું પડશે. ગળિયો બળદ થઈ બેસી ગયો છે. રસ્તો ક્યાંથી કપાય? મારી કૂટીને ઉઠાડવો પડશે. કેવા ગોદા માર્યા છે ! આ બધું દેખાય છે તે મિથ્યા છે, કલ્પના છે. આત્માને ઓળખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org