________________
ઉપદેશસંગ્રહ-પ
૪૬૫
કોઈને રતનની પરીક્ષા ન હોય તો રસ્તામાં રતન પડ્યું હોય તો પણ તેને નકામું છે. બાળક લે તો રમવા માંડે, પણ બીજો કાંકરો મળે તેમાં તેને ગમ્મત હોય તો રતન મૂકી તે કાંકરો લે. આંધળો હોય તેને રતન દેખાય નહીં. રતન શું ? આત્મા. તે મનુષ્યભવમાં મળી શકે છે. વિષય-કષાય તે કાંકરા છે. ઓળખાણ કરો. ખીચડી કરી હોય તેમાં રંગ હળદરનો છે, ખારાશ મીઠાની છે; આ દાલ, આ ચોખા એમ ઓળખાણ હોય તો જુદું કરે. ચાખે ત્યારે મીઠાની ખબર પડે. તેમ ઓળખાણ તો કરવી જોઈશે. કોઈની વસ્તુ હોય અને ખબર પડી કે આ મારી નહીં તો તે તરત મૂકી દેશે. તેમ ઓળખાણ થયેથી જે તારું નથી તે તરત મૂકી દેવાશે.
જીવની પાસે શું છે? ભાવ, પરિણામ. જેવા ભાવ કરે છે તેવું પરિણમવું થાય છે. બધાની પાસે ભાવ છે. છોકરાની પાસે લાકડું હોય તેની ઉપર તેનો ભાવ હોય છે, રતન આપ્યું હોય તો પણ લે નહીં. તેમ બધાના ભાવ છે. જેને જેવી પકડ તેવા ભાવ થાય છે. વાત સાંભળતાં ભાવ થાય છે. માટે આત્માની વાત સાંભળવી. બીજી વાતોમાં આત્મા નથી. જ્ઞાનીની વાણી જુદી હોય છે. સાંભળવાથી ભાવ થાય. પછી ચોટ થાય તો પરિણમન થાય. કહ્યું છે— “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.''
તા.૨૮-૮-૩૫
આત્મા જાણે છે જ નહીં તેવી રીતે તેને વિસારી દીધો છે. સાચું માનજો, આત્મા છે. તે ન હોય તો આ બધાં મડદાં છે. તેને જ સંભાળવો. લોકો કહે છે ને કે આ માણસ મરી ગયો, પણ તેને અને અમારે કંઈ સગપણ નથી, અમારે સ્નાનસૂતક ન આવે. તેવું પરભાવને માટે થઈ જવું જોઈએ. દેહને કંઈ થાય તેમાં મારે શું? સંયોગ છે, સંબંધ છે. તે કંઈ આત્મા નથી.
તા.૩૧-૮-૩૫
ત્યાગ, તપ તે ભક્તિ છે. અનાદિ કાળથી આડું શું આવે છે? વિષય અને તેને લીધે કષાય. સત્ અને શીલ—સત્ તે આત્માની ભાવના, શીલ તે ત્યાગ. ત્યાગની જરૂર છે, તે ભક્તિ છે.
તા.૪-૯-૩૫
આત્મા છે. આત્માની રિદ્ધિ કહી જાય તેમ નથી. વાત અપૂર્વ છે ! તેનાં જ ગાણાં ગાવાનાં છે. હાલતાં-ચાલતાં, બેસતાં-ઊઠતાં તે જ ભાવ કરવાનો છે. તે સુખ કહ્યું જાય તેમ નથી. જેને
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org