________________
ઉપદેશસંગ્રહ–૪
૪૩૫
તે કરે છે સર્વ, પરંતુ તેમને વજની ભીંત પડી છે. તેઓ ચેતન અને જડ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખે છે. તેઓ કદાપિ ભૂલમાં હોતા નથી; પણ અજ્ઞાનીનું તો કંઈ જ સાચું નથી. જ્ઞાનીને શરણે કેમ જવાય ? તો કે બધું મૂકે તો—માથું વાઢે તે માલ કાઢે. એટલું કરે તો સરળ છે, સુગમ માર્ગ છે. આત્મા જ્ઞાનીએ જોયો છે. તે વાત તેઓ ગુપ્ત રાખે છે. યોગ્ય જીવ હોય તો બોલાવીને પણ કહે.
સાંજના
શ્રેણિક રાજા શિકારે ગયા હતા. ત્યાં મુનિનો સમાગમ થવાથી જ્ઞાન પામ્યા. ગજસુકુમારને એક હજાર ભવ જેટલાં કર્મ હતાં તે ભગવાન નેમિનાથના સમાગમે મળેલી આજ્ઞા આરાધતાં નિર્જરા થઈ નાશ પામ્યાં અને તત્કાળ મોક્ષે ગયા. તેથી માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા, પુરુષાર્થ મુખ્ય છે. તે હોય તો પૂર્વ પુણ્યના ઉદયે જ્ઞાની તો જ્ઞાન આપવા તૈયાર છે. તારી વારે વાર ! પરંતુ પાત્રતા, ભાજન વગર શું આપે ? પોતાનું આગળનું ગ્રહણ કરેલું, માનેલું જે મિથ્યાત્વ છે તે મૂકી દે અને હું કંઈ જ જાણતો નથી એમ સમજે તો બોઘ યથાર્થ પરિણમે; પણ મલિન વાસણમાં વિપરીત પરિણમે.
આત્મા તો સર્વ પાસે છે પરંતુ તે બહાર જોઈ રહ્યો છે. હું વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી વગેરે છું, અને ઘર વગેરે દેખાય છે તે મારું છે એમ માની પરિણમી રહ્યો છે. જ્યારે અંતરાત્મા થાય ત્યારે બાહ્ય વસ્તુઓથી પોતાને ભિન્ન માને તથા દેખે. કૃપાળુદેવે અમને કહેલું કે બાહ્ય દેખાય છે ત્યાં પણ આત્મા જ જોવો. એટલે ઘર, શરીર, આકાશ વગેરે જે જોવાય છે તે આત્માના જ્ઞાન ગુણે કરીને જોવાય છે. જો આત્મા ન હોય તો હાથ નીચેથી ઊંચો ન થઈ શકે. બઘી સત્તા છે તે આત્માની જ છે. આત્મા તો છે જ, પરંતુ જે નાશવંત છે તેમાં હુંપણું મારાપણું કરે છે તે મૂકી દેવું. અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે એમ શ્રદ્ધા કરવી
તા.૨-૨-૩૫
મુમુક્ષુએ પ્રથમ કંઈક ગ્રહણ કર્યું હોય, પછી સત્પુરુષ કહે કે એમ નહીં પણ આમ માન. પરંતુ તે પોતાનું પ્રથમ માનેલું—આગ્રહ છોડે નહીં અને સત્પુરુષનું કહેવું પણ માને નહીં અને કહે કે એ તો અમસ્થા કહે, અમે તો એમને જ માનીશું અને એમની જ ભક્તિ કરીશું. એમ પોતે કરે અને બીજાને પણ તેમ વર્તવા કહે.
એક મહાત્મા હતા તેની પાસે કોઈ ભોજન લઈને આવ્યો. ત્યારે મહાત્મા કહે કે કૂતરાને નાખી દે. ત્યારે તે કહે કે આપ પ્રથમ આરોગો. તેથી મહાત્માએ કહ્યું કે ચાલ્યો જા, તારું કામ નથી. એમ જે આશા-આરાધનને બદલે પોતાનું ડહાપણ કરે તે કામ ન આવે.
ગૌતમસ્વામીએ પંદરસો તાપસોને જ્ઞાન પમાડ્યું ત્યારે ગૌતમસ્વામીને ગુરુ માનવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org