________________
૪૨૬ ઉપદેશામૃત
તા.૪-૧-૩૫ બોઘ સર્વને એકસરખો મળે છે. પરંતુ કોઈ તેને અંતરમાં ઊંડો ઉતારી વિચારે અને કોઈ તેને ગ્રહણ કરે પણ વિચારે નહીં અથવા ગ્રહણ જ ન કરે. એમ સી યોગ્યતા પ્રમાણે લાભ મેળવે છે. મહાદુર્લભ બોઘ કૃપાળુદેવે બોધ્યો છે પણ તે સમજવો જોઈએ.
બે ભાઈ દુકાનમાંથી ભેળસેળ થયેલ દાણો અર્ધા ભાગે વહેંચી લેતા. તેમાંથી એકની સ્ત્રી ભડકું ને રોટલા બનાવે; બીજાની સ્ત્રી દાળ-ભાત, શાક ને રોટલી બનાવે. “દરરોજ ભડકું ને રોટલા કેમ બનાવે છે ? ભાઈને ઘેર તો દરરોજ દાળભાત રોટલી થાય છે,” એમ પતિએ ઠપકો આપ્યો ત્યારે પેલી સ્ત્રીએ ઘણીને કહ્યું, “તેને તમારા ભાઈ બધું લાવી આપતા હશે.” એટલે તપાસ કરી તો ખબર પડી કે તે તો મહેનત કરી બધું જુદું પાડી સુંદર રસોઈ બનાવતી હતી જ્યારે ફૂવડ બૈરી ટેલટપ્પામાં વખત કાઢી, ભરડી નાખી રાંઘી આપતી હતી.
એમ જ્ઞાની જે આપે તેનો યોગ્ય વિચાર કરવો જોઈએ અને બઘાથી આત્માને જુદો પાડી પરિણમવું જોઈએ.
ભાજન પ્રમાણે બોઘ ગ્રહણ થઈ શકે છે. હાથી હોય તે બે ઘડા પાણી પીએ તો આપણાથી એક પ્યાલો પિવાશે. તેમ કોઈ વધુ ગ્રહણ કરે, કોઈ થોડું. છતાં સર્વને સ્વાદ તો એક જ આવે.
તા.૫-૧-૩૫
આત્માનો મૂળ સ્વભાવ સ્થિરતા છે. પાણીનો સ્વભાવ સ્થિર રહેવાનો છે, પરંતુ પવન વાય છે એટલે છોળો ઊડે છે અને ઊછળતું નજરે પડે છે. તેમ આત્મામાં મોહરૂપ પવન વાય છે, અને અસ્થિર દેખાવ આપે છે. આત્મા પોતે તેવો નથી, પરંતુ સંજોગને લઈને તે રૂપ થાય છે. લૂગડું સ્થિર છે પરંતુ પવન વડે હાલે છે. તેમ અજ્ઞાનજનિત મોહથી આત્મા બીજરૂપે પરિણમે છે અને પોતાને તરૂપ માને છે. અજ્ઞાન અને મોહ મટે તો આત્મા સ્થિર થાય.
તા.૮-૧–૩પ દેહાભિમાન ઘટાડવું. જીવે નરક, તિર્યંચ વગેરે અનેક નીચ યોનિમાં જન્મ લઈ દુઃખ ભોગવ્યાં છે, તે ભૂલી ગયો છે; અને જ્ઞાની કહે છે તો પણ મનાતું નથી ! કારણ, અભિમાન આડું આવે છે. આ જન્મની બાલ્યાવસ્થાની સ્થિતિ પણ વીસરી ગયો છે અને અત્યારની અવસ્થામાં માન કરે છે. આ માન ઘણું દુષ્ટ છે. તે જીવને જ્ઞાનીથી દૂર રાખે છે. તો માન મૂકવા પ્રયત્ન કરવો. કોઈને પોતાથી હલકું ન ગણવું. હું અધમાધમ છું એવી સમજણ રાખવી. નમ્રતા, વિનય રાખવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org