________________
૪૨ ૨
ઉપદેશામૃત સર્વ જીવ છે તે સિદ્ધ જેવા જાણવા. નાનો-મોટો, અભણ-ભણેલો, સ્ત્રી-પુરુષ, બાળવૃદ્ધએ ભેદો ખરા નથી. સર્વ સરખા છે અને પોતાના સમાન છે. પોતાનો આત્મા તે જ પરમાત્મા જેવો છે, એમ જાણી તે પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરી રાગ-દ્વેષમાં ન જવું. કોઈ પર મોહ કરી રાગ ન કરવો અને કોઈને તુચ્છ ગણી દ્વેષ ન કરવો. એ રીતે પુરુષાર્થ કરતાં વૃત્તિ પરમાં જતી અટકે અને ધ્યાનમાં રહી શકાય.
તા.૨૫-૩૩ ચારે ગતિમાં અનંત દુઃખ છે. નરકગતિ અને તિર્યંચગતિ તો અસહ્ય છે. મનુષ્યગતિમાં પણ ભૂખ, નિર્ધનતા, માન-અપમાન, દરિદ્રતા, રોગ અને જરાનું દુઃખ છે. શરીર છે તે દિવસે દિવસે ક્ષીણ થાય છે અને વિષયકષાયથી તેમજ પાંચ ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંછનાથી આ આત્મા અનંત દુઃખનો ભાગી થાય છે.
દેવગતિમાં શરીરનું સુખ છે ત્યારે માનસિક દુઃખ બીજી ત્રણે ગતિ કરતાં વિશેષ છે. એકબીજાના સુખની ઈર્ષ્યા અને અપહરણની ઇચ્છા થાય છે. ત્યાંનું સુખ પણ કેવું છે ? તુચ્છ ભોગ તે જ ત્યાં ભોગવાય છે. તેય ક્ષણિક અને નાશવંત જ છે. જરા લાંબો કાળ ભોગવી તેનો અંત થાય છે અને કષાયથી ફરી નીચગતિમાં દેવને જવું પડે છે. જ્યારે શરીર ત્યાગ કરવાનો વખત આવે છે ત્યારે એ ભોગ છોડતાં અત્યંત આર્તધ્યાન કરી હલકી ગતિમાં જઈ પડે છે. માટે એ દેવના ભોગ પણ ત્યાગવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય નથી. એ સુખ છે તે પરિણામે દુઃખરૂપ થાય છે. માત્ર આત્મજ્ઞાની દેવો હોય છે તેમને જ કંઈક ખરું સુખ હોય; કારણ કે તેમને આત્મજ્ઞાનને લઈને તેવા કષાય થતા નથી, અને આયુષ્ય પૂર્ણ કરી વહેલામોડા મોક્ષ પામે છે.
ચારે ગતિ માત્ર દુઃખરૂપ છે. તેમાં આત્મા બંઘાયો છે તેને હવે છોડાવવો. આ માનવદેહ પ્રાપ્ત થયો છે તેમાં જ તે બની શકે તેમ છે. આ જન્મની દરેક પળ મહા અમૂલ્ય છે. માટે સદ્ગુરુની આજ્ઞા વિચારી, તેમનાં વચનો ગાંઠે બાંધી પોતાના આત્મામાં તે પરિણાવવાં.
તા.૩૧-૫-૩૩ બીજે બધેથી દ્રષ્ટિ ફેરવી એક સ્વ-આત્મામાં જ રહેવું. વ્યવહારમાં બહારથી વર્તવું પડે, પરંતુ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવો. ઉપયોગમાં રહેવું અને આત્માને જ સર્વસ્વ માની રાગદ્વેષ ન કરવો. જે કંઈ ભાવ, અનુરાગ કરવો તે આત્મામાં જ કરવો. એને લઈને જ આ દેહ, મન ઇત્યાદિ તથા સંબંઘી, સંજોગો પ્રાપ્ત થયા છે; માટે એમાં જ સ્થિર રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org