________________
ઉપદેશ સંગ્રહ-૪
૪૨૧
તા.૧૯-૫-૩૩ આ જીવ કેવા અનર્થદંડ કરે છે તે જોવા જેવું છે. કોઈ પુરુષ કે સ્ત્રી કોઈ તરફ કુદ્રષ્ટિ કરી ભોગ ભોગવવાના વિચાર કરે, એવી ઇચ્છા કરે તો તે કુભાવથી પાપ બાંધી કુગતિએ જાય. આ ભાવમાં ખરેખર કંઈ કરવામાં આવતું નથી, ભોગ ભોગવી શકાતો નથી છતાં વિચાર માત્રથી કર્મ બાંધે છે તે અનર્થદંડનો પ્રકાર છે.
વળી કોઈ એવા ભાવ કરે કે મને સંયમ હોય તો કેવું સારું ! એવા સંયમવંત જીવો તરફ દ્રષ્ટિ રાખી એવી ભાવના કરે તો પુણ્ય બાંધી દેવલોકમાં જાય.
એક અશુભ ભાવ છે; બીજો શુભ ભાવ છે. આ બે સિવાય ત્રીજો શુદ્ધ ભાવ છે. જેને મોક્ષ માટે પ્રયત્ન કરવો છે તેણે તો શુદ્ધ ભાવ જ સમજવો જોઈએ અને તે માટે પુરુષાર્થ કરવો જોઈએ. કોઈ પ્રત્યે ઇષ્ટ કે અનિષ્ટ ભાવ ન કરતાં મધ્યસ્થભાવે, સમતાભાવે રહેવું. તપ, જપ માત્ર આત્મપ્રાપ્તિ માટે નિષ્કામપણે કરવાં. કોઈ બાબતની ઇચ્છા રાખવી નહીં. તેમ સુકૃત્ય કરવામાં પણ આત્માના હિતનો લક્ષ રાખવો. પોતાના અનંત દોષો શોધી શોથી દૂર કરવા પ્રયત્ન કરવો; અને સદ્ગુરુના ચરણમાં સર્વ અર્પણ કરી તેની આજ્ઞા આરાધવી. સમભાવમાં સર્વ સમાય છે. મળી આવેલા પ્રસંગોમાં રતિઅરતિ ન કરવી. સહનશીલતા રાખવી. સુખ તેમ જ દુઃખમાં સમતોલ રહેવું. સર્વ જીવ પ્રત્યે નાના-મોટા, સારા-ખોટા, ગમતા-અણગમતા, ઊંચનીચનો ભેદ દૂર કરી, મનથી સર્વ તરફ સમદ્રષ્ટિ રાખી સર્વનું પારમાર્થિક રૂડું ચિંતવવું. દેહની અને તે સંબંધી વિષયોની મમતા દૂર કરવી.
તા. ૨૪-૫-૩૩ હવે પકડ કરી લેવી. આત્મા અનાદિકાળથી રખડ્યો છે પણ હજી નિવેડો આવ્યો નથી અને નહીં આવે; માટે જન્મમરણથી છૂટવાની સતત ભાવના કરી જ્ઞાનીના શરણમાં રહેવું.
તા.૨૬-૫-૩૩ મન, વચન, કાયાના યોગથી નિવર્તી આત્માને આત્મામાં સ્થિર કરવો, એને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે. આત્માનો એ રીતે બીજે બધેથી ઉપયોગ નિવર્તાવી આત્માનું ધ્યાન કરવું. તે કેવું ? તો કે જેમ સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે તેમ આ આત્મા સમસ્ત વિશ્વનો પ્રકાશક છે. જેમ ચંદ્ર ભૂમિને પ્રકાશે છે તેમ આ શરીરના અણુઅણુમાં વ્યાપ્ત છે તેવો આત્મા ચિંતવવો. “આત્મસિદ્ધિમાં “આત્મા છે' એ પદની ગાથાઓમાં વર્ણવ્યો છે તેમ આત્માનું ધ્યાન કરવું. તેમ જ
છે દેહાદિથી ભિન્ન આતમા રે ઉપયોગી સદા અવિનાશ;” એવું ધ્યાન કરવું. જ્યારે તે સ્વરૂપમાં જ સ્થિરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય; નહીં કે માત્ર સાધુનો વેશ અંગીકાર કરવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org