________________
૪૧૬
ઉપદેશામૃત ઊંડો ઊતરીને વિચાર; મનને વિષય-વિકારમાંથી દૂર ખેંચી લે; એ ક્ષણિક પરદ્રવ્યમાં તો અનાદિકાળથી રહ્યો અને દુઃખ પામ્યો. હવે જાગ અને તારું ખરું સ્વરૂપ ઓળખ, ધ્યાન કર તો આત્માની ઓળખાણ થાય. પણ એમ થાય ક્યારે કે ત્યાગ-વૈરાગ્ય આવે ત્યારે. તે ન હોય અને પરમાં વૃત્તિ હોય તો આત્મજ્ઞાન પામી શકાય નહીં.
જગત અનંત આત્માઓથી ભરેલું છે. તે સર્વ પર પરિણતિમાં પડ્યા છે. તેમાં આ થોડાકને પૂર્વ પુણ્યથી સત્સંગનો લાભ મળ્યો છે. તો આ દુર્લભ યોગ સાર્થક કરી લેવો. આત્મા જ ખરો છે; બાકી સર્વ નાશવંત છે, કાળે કરી નાશ થતું આવે છે. આત્મા જ્ઞાનીએ જોયો છે. તેની ઓળખાણે ઓળખાણ કરવી.
તા.૩૧-૧૦-૩૨ સમકિતી તથા મિથ્યાત્વી બન્ને પંચેન્દ્રિયના વિષય ભોગવતા હોય ત્યારે ઉપરથી તો સરખા જ લાગે–જ્ઞાનીને ભેદ દેખાય, પણ બીજાને તો તેવો ભેદ દેખાય નહીં. પણ બન્ને સરખા હોય? તો કે એમ નથી. સમકિતીની સમજણમાં ફેર છે. તે વસ્તુને વસ્તુતાએ જુએ છે. પકવાનની થાળી ભરી હોય અને તે બન્ને જમે, પણ બન્નેની દ્રષ્ટિમાં ફેર છે. પછી તેને ઓકી નાખવામાં આવે તો બીજાને અભાવ થાય. સમકિતી બન્ને સ્થિતિમાં સમભાવે જુએ છે; અને તેથી ભોગવે છે છતાં નથી ભોગવતા, એટલે તેમાં લુબ્ધ થતા નથી. તેમને સમભાવ છે. તેવી જ રીતે દરેક બાબતમાં સમકિતીની નજર આત્મા તરફ છે અને બીજું છે તેનાથી પોતે પર છે એમ જાણે છે. તે બંઘ તથા મુક્તપણાને સમજે છે. ઉદય શું તે સમજે છે. તેને ઇચ્છા ઉપાધિ નથી. આ રીતે મિથ્યાત્વી તથા સમકિતીના પરિણામમાં ઘણો તફાવત છે. મિથ્યાત્વીને માન અપમાન, સારું ખોટું, રાગદ્વેષ, હર્ષશોક તથા વાસના વર્તે છે. સમકિતીને કોઈ ગાળ દે તો પણ જાણે કે ક્યાં આત્માને લાગે છે? એ તો ભાષાનાં પુદ્ગલ છે. તેવી જ રીતે દરેક પ્રસંગમાં તે જાગૃત રહે છે અને એ રીતે તેના ભાવ આત્મા તરફ હોવાથી તેને કર્મથી મુકાવું થાય છે. પણ મિથ્યાત્વી તપ કરતાં છતાં બંધાય છે.
સમકિતી જીવ પશ્ચાત્તાપ કરે છે પણ ખેદ નથી કરતો. જે થયું તે અજ્ઞાનથી થયું, એમ યથાતથ્ય જુએ છે, અને ફરી એમ ન થાય એ વિચારે છે. જેમાં એક માણસ આખી રાત અંધારામાં ભટક્યો હોય અને સૂર્યોદય થતાં રસ્તો મળે તો વિચારે કે હું કેટલું નકામું આથડ્યો !
સમકિત થયું હોય તો સમભાવ હોય, કોઈ તરફ રાગદ્વેષ ન થાય; કારણ કે, પોતાને દેહથી પર જાણ્યો છે એટલે આત્મા જામ્યો છે, તેવા જ બીજાને જુએ અને પરવસ્તુથી પર રહે. આ સારો, આ નરસો; આ ગમે છે, આ નથી ગમતું એમ ન થાય. એની દૃષ્ટિ આત્મા તરફ હોય. વ્યવહારમાં વર્તતો હોય છતાં તેથી પર રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org