________________
[૩૬]
ત્યાંથી વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પીતાંબરદાસ મહેતા ગણાય છે. તે તેમને મળ્યા અને વાતચીત થતાં બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું એટલે તેમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, ‘તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચાર જ છે; પાંચમું તીર્થ ક્યાંથી લાવ્યા ? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ ઉપર ક્યાંથી રહે ? મુનિઓ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું ?'' વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ મુનિવરો શાંત રહ્યા.
રાત્રે પીતાંબરદાસભાઈને વિચાર આવ્યો કે “આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યાં છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં, તેમણે તો ઊલટી ક્ષમા ઘારણ કરી. શાસ્ત્રમાં શ્રી નમિરાજર્ષિનાં ઇન્દ્રે વખાણ કર્યાં છે, ‘હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો, તેં અહંકારનો પરાજય કર્યો !' આ શાસ્ત્ર-વચન મેં પ્રત્યક્ષ આજે સત્યરૂપે જોયાં. ક્રોધને જીતનાર ક્ષમામૂર્તિ આ જ છે. હું ક્રોધથી ધમધમ્યો અને કુવચનો વરસાવ્યાં; પરંતુ એમનું રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે.” એમ વિચારી સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી.
પાલિતાણા થઈ જૂનાગઢ શ્રી લલ્લુજી આદિ પધાર્યા તે વખતે કેટલાક મુમુક્ષુઓ ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધી જતાં. ઘણા વિકટ માર્ગમાં મુમુક્ષુઓને હિમ્મત આપતા સર્વની આગળ શ્રી લલ્લુજી ચાલતા. ઉપર એક ગુફા જોવા ગયા. તે વિષે એવી વાત ચાલતી સાંભળી કે અહીં એક યોગી રહેતા હતા; પણ હવે કોઈ આ ગુફામાં રાત્રિ ગાળી શકતું નથી. એક સાધુને લોકોએ ના પાડેલી છતાં રાત્રે રહ્યા, પણ સવારે ગભરાઈ માંદા થઈ ગયા અને તેમનો દેહ છૂટી ગયો. આ વાત સાંભળી શ્રી લલ્લુજીને વિચાર થયો કે આપણે અહીં રહીએ. બીજા મુમુક્ષુઓ ના પાડવા લાગ્યા, છતાં શ્રી મોહનલાલજી સાથે તે ગુફામાં રહ્યા અને બીજા મુમુક્ષુઓ પર્વત ઊતરી જૂનાગઢ ગયા.
રાત્રે બન્ને મુનિ ભક્તિ કરવા લાગ્યા. તે વખતે ગુફા ઉપર જાણે શિલાઓ ગબડતી હોય તેવો અવાજ થવા લાગ્યો. મોટા અવાજે બન્નેએ ભક્તિમાં ચિત્ત રોક્યું. થોડી વાર થઈ ત્યાં વીજળીના કાટકાનો અવાજ થાય તેવા ભયંકર અવાજ થવા લાગ્યા. પરંતુ તે તરફ મુનિવરોએ લક્ષ ન આપ્યું, માત્ર ઇષ્ટ સદ્ગુરુની ભક્તિ ઉલ્લાસભાવથી કરતા રહ્યા. થોડી વારમાં શાંતિ પ્રસરી ગઈ. પછી શ્રી મોહનલાલજી પ્રશ્નો પૂછે અને શ્રી લલ્લુજી તેના ઉત્તર આપે એમ ચર્ચામાં કંઈક કાળ ગાળ્યો, અને પાછલી રાતનો વખત શ્રી લલ્લુજીએ ધ્યાનમાં ગાળ્યો. ત્યારે શ્રી મોહનલાલજી સ્મરણમંત્રની માળા ગણતા. સવારે ગુફાની બહાર આવ્યા અને તપાસ કરી પણ અવાજ થવાનું કંઈ કારણ સમજાયું નહીં. બીજી તેમજ ત્રીજી રાત્રિ પણ તે પ્રકારે તેમણે ત્યાં ગાળી; પણ પ્રથમ રાત્રિ જેવો ઉત્પાત પછી થયેલો નહીં.
જૂનાગઢથી વિહાર કરી ધંધુકા શ્રી લલ્લુજી પધાર્યા અને ત્યાં જ સં. ૧૯૬૦ નું ચોમાસું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org