________________
ઉપદેશસંગ્રહ-૪
૪૦૯ સંકલ્પ-વિકલ્પ, વિષય-કષાય, રાગદ્વેષમાં વૃત્તિ ન જવી જોઈએ. ઇચ્છા, આકાંક્ષા, તૃષ્ણા કોઈ પણ પ્રકારની થાય ત્યાં વૃત્તિમાં અબ્રહ્મચર્ય કહેવાય.
વચન શાંત, મધુર, પ્રિય અને હિતકર બોલવું. એથી અન્યથા થાય ત્યાં બ્રહ્મચર્યમાં દોષ લાગે.
પાંચ ઇન્દ્રિયનાં વિષયને રોકવા. આળસ ત્યાગવી. શરીર આત્માથી ભિન્ન છે. તેના ઉપર પૂર્ણ કાબૂ અને સંયમ રાખવાં. વેદનામાં ઉદાસીનતા, નિર્મોહતા રાખવી.
આ જીવ અનાદિ કાળથી રખડ્યો અને હજી ચેતશે નહીં, માયામાં લપટાશે તો પત્તો લાગશે ? આવા અનેક વેષ કર્યા. ભાઈ બહેન, મિત્ર, સગા સ્નેહી–એમાંનું કોણ સગું થશે ?
બહેનપણાં, ભાઈપણ કંઈ કરવાનું પ્રયોજન નથી. એથી ચેતતા રહેવું. આ જીવ અનંત કાળથી શરણરહિત દુ:ખી છે. આખરે કોઈ અપૂર્વ પુણ્યને લીઘે સત્ય આશ્રય આવી મળ્યો છે, તેને જ પકડી લેવો. તેને ઘડી પણ ન વિસરવો. એ જ આખી દુનિયાનો સાર છે. આવું સત્ય ત્રિકાળે મળે એમ નથી. કોઈ જાતની ઇચ્છા ન રાખવી. એક જન્મમરણથી છૂટવું. તે માટે ત્યાગ, વૈરાગ્ય અને તપ કરવું. કોઈ પરિષહ કરે તેનો ઉપકાર માનવો. એથી કર્મ ક્ષય થાય છે.
આ કાળે બહુ સમજવાનું છે. જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. દરેક જાતના કામકાજમાં વૃત્તિ ખેંચાઈ જાય. આખા દિવસના દિવસ પરવૃત્તિમાં જાય એ ઘર્મ નથી. આત્માનું સ્મરણ, ચિંતવન, વાચનમનનાદિ આત્માર્થે કરેલું એ જ ખરું છે. બીજું માત્ર ઉદય આવ્યે વચનકાય પ્રવર્તાવવાં, પણ એમાં મન પરોવવું નહીં, ચિંતા કરવી ત્યાં દગો છે. જેટલો વખત ઘર્મમાં ગાળીએ એટલું જ જીવતર; બાકી વૃથા કાળ જાય તેટલું પસ્તાવાનું કારણ. મરણ આવતાં વાર નથી. અને વીલો મૂકીશું તો પછી શું હાથ લાગશે ?
ગુપ્ત વાત એ આત્માની. આત્મસ્વરૂપનું ધ્યાન. બીજામાંથી વૃત્તિ ખેંચી ગુપચુપ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” નો જાપ જપ્યા જ કરવો. બીજા ભલે ઘારે કે કંઈ ગમ વગરના છે. ગાંડામાં અને અજ્ઞાનીમાં ખપવું. કોઈને કંઈ કહેવા જેવું નથી. કોઈનો આપણે માટે સારો મત મેળવવાની જરૂર નથી. પ્રારબ્ધ પ્રમાણે બધું મળે છે, એ દ્રઢ શ્રદ્ધા ઘારણ કરવી. પછી કોઈ જાતની ચિંતા આ દુનિયા સંબંધીની શા માટે ? અંતરથી ત્યાગ કરવો. બહારથી ભલે જગતમાં વર્તવું; અંતરમાં એકાંત શીતળીભૂત રહેવું.
સદ્ગુરુમાં શ્રદ્ધા એક સતી સ્ત્રીની માફક રાખવી. કોઈ બીજામાં વૃત્તિ જરા પણ ન જવી જોઈએ. એ શ્રદ્ધા, એ પ્રતીતિ જ આત્માને પરમ સુખનું કારણ છે. એ સુખ તો અનંત આનંદરૂપ છે. એના આગળ આ દુનિયાનું, સ્વર્ગનું સુખ ઘણું તુચ્છ છે. માટે બધી જાતની તુચ્છ ઇચ્છાઓ ત્યાગવી. કોઈ પણ જાતની આત્મપ્રશંસા સાંભળી ઘણું ચેતવું, કેમકે એ મહા હાનિકારક છે.
દરરોજ આત્મભાવમાં અને પરભાવમાં કેટલી પ્રવૃત્તિ કરી તેનો હિસાબ રાખવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org