________________
૩૯૬ ઉપદેશામૃત
તા. ૬-૨-૩૬ આ બઘા જીવની પાસે છે શું ? “ભાવ'; છે કે નહીં ? ભાવ કોઈની પાસે નથી એમ છે ?
શું કરવું હવે ? આ વાત જેવી તેવી નથી. ચમત્કાર છે. એક વચનમાં મોક્ષ થાય છે. નાના, મોટા–કોઈ પણ કરે તો થઈ શકે તેવું શું છે ? તો કે ભાવ. ભાવ વડે જ ભૂંડું થાય છે; ભાવ વડે જ ભલું થઈ શકે છે. જન્મ, જરા, મરણ થઈ રહ્યાં છે, તે ય ભાવ વડે જ. ત્યારે હવે શું કરવું ?
“ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” આ ટૂંકામાં ટૂંકું છે. જપ, તપ, ક્રિયા, કમાણી, સંજમ, માનવું ન માનવું એ બધું ભાવમાં આવી ગયું.
આ જીવ અનાદિનો ભમતો છે. તેના ઉપર દયા લાવી પરમકૃપાળુદેવે બોલાવી લખી આપ્યું : “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
આટલો જ સવાલ બસ છે. પરને પોતાનું માન્યું છે ત્યાં જ દુઃખ થયું છે. “મારું માથું દુઃખે છે, તાવ આવ્યો છે, પેટમાં દુઃખે છે'મહીં તણાઈને માનવા જાય છે ! એ “તારું માથું” અને “તારી ચૂંક' એ તારાં છે ? એ તો કર્મ છે. તે બાંધેલાં આવ્યાં છે તે જાય છે. તેને જોનાર, જાણનાર, તેથી ન્યારો આત્મા તું છે. તે આત્મા તારો છે. તેના ઉપર ભાવ એ જ ઠરીને શાંત થવાનું ઠેકાણું છે. આતમભાવ થયો ત્યાં ચિંતા, ફિકર બધું જતું રહે. કહો, આવો આતમભાવ હવે કોણ મૂકે ? આખા ગામનો બેટ્ટો હોય તે આતમભાવ મૂકે, હું તો મૂકું નહીં. આટલું જ કરવાનું છે. આમ ન કરવું હોય તો ફર્યા કર સંસારમાં.
“સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે તે વાત કેમ હશે ?” ખબર નથી તેથી ભોળો ભટકે છે. મારો દીકરો, મારું ઘન, મારું ઘર–“મારું મારું' કરો ને ભટકો. જુઓ છો બાહ્ય દ્રષ્ટિથી.
કર વિચાર તો પામ.' વિચાર કર્યો નથી. આનું પરિણામ શું આવશે ? સુખ-દુઃખ, પૈસાટકા, દીકરા-છોકરાં, “માતા” કશું રહેતું નથી. બધું રાખ છે. આંટી ઊકલી નથી. મૂકવું પડશે. સાથે લીધું તો ઊભું થયું. ન લે તો થાય ? આમ જુઓ, તેમ જુઓ; જ્યાં જુઓ ત્યાં તુંડિતુંહિ—એક આત્મા જ જુઓ. આ ય આત્મા, આ ય આત્મા, એમ આત્મા જોવાય તો કામ થઈ જાય. તેને બદલે આ તો વાણિયો છે, આ તો પાટીદાર છે, સારો છે, ખોટો છે, નાનો છે, મોટો છે એમ જોયું ત્યાં કૂટ કપાળ !
આત્મા જોયો નથી. “જે જાણું તે નવિ જાણું, નવિ જાણ્યું તે જાણું.” આ બધી મર્મની વાત છે. આંટી ઊકલે તો સવળું થઈ જાય. પાછું વળવું પડશે, મૂકવું પડશે; કરવું પડશે. આતમભાવના ભાવતાં પરિણામ બીજું આવે તો કહેજે. સાકર ખાય તો અફીણનું ફળ નહીં થાય, સાકરનું જ ફળ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org