________________
[૩૪] પણ પદાર્થ પ્રત્યે આસક્તિ, પ્રીતિ કરવા યોગ્ય નથી. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, પાણી પીતાં, બોલતાં, સૂતાં, જાગતાં સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખદુઃખ જણાય નહીં; આત્માની હાજરીમાં બધું ખબર પડે છે. તો આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવો નહીં, કોઈમાં મમતાભાવ કરવો નહીં; થયો હોય તો તજી દેવો. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુ:ખ લઈ શકે તેમ નથી; કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. તેમ પોતાનાં બાંધેલાં કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાનાં કરેલાં જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે તો પછી તેમાં હર્ષશોક શો કરવો ? સમભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને જ્ઞાનીપુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે એવા શરણભાવથી ઉદય આવેલાં કર્મ વેદી લેવાય તો નવાં કર્મ બંધાય નહીં, અને જૂનાં બાંધેલાં કર્મ છૂટતાં જાય છે. દેહને રાખવો હોય તોપણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે ? જેમ થાવું હોય તેમ થાજો; પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે બીજે ચિત્ત રાખીને અનંત કાળ આ જીવ સંસારમાં ભમ્યો. પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું માહાત્મ્ય સાંભળ્યું, ‘આત્મસિદ્ધિ' સમજાવી તેમાં મારી રુચિ રહો; તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાઘિમરણ થશે.’'
તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે; તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી કે ‘આ મારી પાટ નહીં, આ મારાં વસ્ત્ર નહીં; આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી. બધું પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અને અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખસ્વરૂપ છે; શરણ કરવા યોગ્ય છે.’ આમ એકવીસ દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દ૨૨ોજ શ્રી લલ્લુજી સ્વામી દર્શન-સમાગમનો લાભ આપતા, અને સદ્ઉપદેશથી ઘીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા,—છ પદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. શાંતિ-સમાધિથી તેનું મરણ થયું હતું, તથા તેની ગતિ સુધરી ગઈ હતી; એમ પોતે ઘણી વખત જણાવેલું હતું.
એકવીસ દિવસ સંથારો ચાલ્યો તેથી ગામમાં પણ તે વાત ફેલાઈ ગયેલી. કોઈ વિદ્વેષીએ સરકારમાં ખબર આપેલી કે ઘોરનદીમાં એક બાઈને ભૂખી રાખી મારી નાખવામાં આવી છે. તેની તપાસ કરવા કલેક્ટર આવ્યો હતો. તેને ગામના લોકોએ સમજૂતી આપી કે એ તો ધર્મવિધિ પ્રમાણે અંત વખતે મરનારને આહારત્યાગની ભાવના થવાથી તેને ધર્મના નિયમ પ્રમાણે વ્રત આપવામાં આવે છે અને તેનું મરણ સુધરે અને સારી ભાવના રહે તેવો ઉપદેશ આપવા અર્થે જ તેની પાસે શ્રી લલ્લુજી સ્વામીનું જવું થતું હતું. તેમાં બળાત્કાર કોઈ પ્રકારનો હોતો નથી ઇત્યાદિ પ્રકારે તેના મનનું સમાધાન કરી કલેક્ટરને લોકોએ માન આપી વિદાય કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org