________________
[૩૩] માન હોવાથી તેમણે આર્યાઓને જણાવ્યું કે શ્રી લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્તો. આર્જાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણીએ (મોટાં સાધ્વીએ) તેને જીવતા સુધી ચારે પ્રકારના આહારના ત્યાગનાં પચખાણ આપી સૂત્રપાઠ ભણી સંથારો કરાવ્યો. કારણકે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી. જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ શુદ્ધિમાં આવતી ગઈ અને સવારે પાણી પીવા માગ્યું. ગોરાણી તો ગભરાઈ ચારે પ્રકારનાં આહારનાં પચખાણ આપ્યાં છે અને પાણી માગે છે તે કેમ અપાય? ગભરાતી ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઊતર્યા હતા ત્યાં ગઈ અને બધી વાત તેમને જણાવી; તેમના સાધુઓના સમાચાર પણ જણાવ્યા. “પણ રાત્રે પૂછવા અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધાં છે. હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કૃપા કરીને કોઈ રસ્તો બતાવો.” એવી વિનંતિ ગોરાણીએ કરી. તેને શાંત કરીને પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. સર્વેએ વિનય સાચવ્યો. પછી શ્રી લલ્લુજી તે માંદી બાઈને જોઈને બોલ્યા, “બાઈ, કંઈ ગભરાવાનું કારણ નથી. ખુશીથી જે આહારપાણીની જરૂર પડે તે વાપરજે.”
તે બાઈ બોલી, “ના મહારાજ, મને પચખાણ કરાવ્યાં છે એમ કહે છે; પણ પાણી વિના મારે નહીં ચાલે એમ લાગે છે.”
શ્રી લલ્લુજીએ હિમ્મત આપતાં કહ્યું, “જો બાઈ, તારી માગણી સિવાય જે પચખાણ આપ્યાં છે તે દુપચખાણ છે; સુપચખાણ નથી. એ પચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વહોરી લઉં છું. તારી મરજીમાં આવે તેવાં શુદ્ધ આહાર પાણી વાપરવામાં હવે હરકત માનીશ નહીં.”
બઘાં સાંભળનારાંને બહુ નવાઈ લાગી. પણ તે માંદી બાઈએ કહ્યું : “મારે પાણી સિવાય ત્રણે પ્રકારના આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો.”
તે બાઈની સમાધિ-મરણની ભાવના તેમજ વિનંતિને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા અને તેને સમજાય તેવાં પુરુષોના વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમના વચનો બીજાં સાંભળનારને બહુ ભારે લાગતાં પણ મહાપુરુષના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્યવાહક વાણીમાં કહેતા. તે બાઈને તે ઉપદેશતા કે “આત્મા ભિન્ન છે; દેહ ભિન્ન છે; તું આ દેહ નથી, તું આ રોગરૂપ નથી, તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી; તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી; તું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય આત્મા છે. તારાં આ કપડાં નથી, તારાં પુસ્તક નથી, તારાં ઉપકરણ નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી, સર્વને વોસરાવી દે. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર, વૈરાગ્ય વડે છૂટવાનું છે; ત્રણે લોકમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org