________________
૩૮૪
ઉપદેશામૃત તુલસીદાસ ચંદન ઘસે છે. સંતોની ભીડ છે. ત્યાં રામને ઓળખવા સાન કરી છે કે ચંદન ઘસીને તુલસીદાસ ભક્ત સર્વને તિલક કરે છે–સર્વમાં આત્મા જુએ છે. એટલે જેને તિલક કરે તેને રામ જાણે છે. તેમ આત્મા જોવાની દ્રષ્ટિ કરો.
ભેંસને દાણનો ટોપલો મૂકવા બાઈ આવે છે. ત્યાં ભેંસની દ્રષ્ટિ બાઈ ઉપર નથી હોતી. તેણે કેવાં કપડાં પહેર્યા છે, કેવાં ઘરેણાં પહેર્યા છે, તે જુવાન છે કે વૃદ્ધ તે કાંઈ તે જોતી નથી. તેની દ્રષ્ટિ માત્ર એક ટોપલા ઉપર છે. તેમ બીજેથી દ્રષ્ટિ ફેરવી એક આત્મા ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ.
જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભમ્ભા ભજન થકી ભય ટળે;
ભેખ ઘર્યે જો સિદ્ધિ થાય, ભાંડ ભવૈયા વૈકુંઠ જાય.” તમારા ભાવ તમારી પાસે છે. ભાવ આત્મા ઉપર થાય તો કામ થઈ જાય.
તા.૧૫-૮-૩૫ અવળું કર્યું ત્યાં જગત દેખાયું. સવળું કર્યું ત્યાં આત્મા જોવાયો. જે દેખાય છે તે બધું પર છે. જે ભળાય છે તેને માન્યું છે એ જ અવળી દ્રષ્ટિ. દ્રષ્ટિ ફરે તો બઘાને જાણનાર-દેખનાર એવો જે આત્મા તેના ઉપર દ્રષ્ટિ જાય; ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે તે ટળે.
બધું મૂકવું પડશે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારો એક આત્મા છે. તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં.
આત્માનો વાળ વાંકો થવાનો નથી. માત્ર તેનો નિશ્ચય કર્યો નથી, પકડ થઈ નથી. તે કરી લો. આ બીજું બધું તો કલંક છે. તેને માન્યું છે. પુરુષાર્થ કરો. પડદો પડ્યો નથી. પડદો પડે તો બીજું જણાય.
“જે જાણે તે નવિ જાણું અને નવિ જાણ્યું તે જાણું” આવું તમારું સ્વરૂપ છે? કેવું અપૂર્વ તમારું સ્વરૂપ છે ! તેને કોઈ દિવસ સંભાર્યું નહીં. આત્માને સૂતો મૂક્યો છે, તેને સંભાળ્યો નથી. તેના ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ કરવાની છે.
આ બધું મેલો પડ્યું. જ્યાં હોય ત્યાં આ કલંકને આગળ કરો છો તે પડ્યું મેલો અને આત્માને આગળ કરીને બધું કરો. પહેલો એ ન હોય તો બીજું કાંઈ થતું નથી, તેવો આત્મા ! તેના ઉપર ભાવ કરો, તેને આગળ કરો. ભાવ ફેરવવાનો પુરુષાર્થ કર્તવ્ય છે.
નિજદેશ ગયા વગર છૂટકો નથી. આ તમારો દેશ નથી. બહુ દોષ છે આ જીવમાં. આ ઘોળો છે, આ કાળો છે; આ ભણેલો છે, આ સમજુ છે; આ બાઈ છે, આ ભાઈ છે–એ જોવાનું છોડી દો. એક પોતાના ઉપર આવો. પોતાનામાં અનંત દોષ છે તે હવે કાઢવા છે. માટે પોતાના દોષ જ જોવા અને કાઢવા. પારકા દોષ જોવાનું જવા દો. ‘તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org