________________
ઉપદેશસંગ્રહ-૩
૩૮૩
ભાવ તમારી પાસે છે. તે જેવા કરો તેવા થાય. આ મનુષ્યભવ મહા દુર્લભ છે. લૌકિક કાર્યોમાં, જગતને રૂડું દેખાડવા ઘણું કર્યું. આટલો ભવ પોતાના આત્મા માટે ગળાય, તેની ઓળખાણ કરવા ગળાય તો જ મનુષ્યભવની સફળતા છે. આત્મા ઉપર ભાવ કરવા છે.
‘માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ' – અવળાનું સવળું કર્યું નહીં, ભાત સવળી કરી નાખી નહીં; નહીં તો ઝેરનું અમૃત થાય. આ બાઈ, આ ભાઈ; આ સારો, આ નરસો; આ વાણિયો, આ બ્રાહ્મણ—એમ માયા જોઈ. બાહ્ય દૃષ્ટિએ સાચું જોવાયું નહીં. ઊંડા ઊતરો તો સાચું જોવાય. સાચું જોવું જોઈએ. તે શું ? તો કે આત્મા.
મુમુક્ષુ—જાણ્યા વગર આત્મા શી રીતે જોવાય ? તે તો જ્ઞાનીએ જાણ્યો છે.
પ્રભુશ્રીભાવના તો કરાય. તેમ કરતાં કરતાં યોગ્યતા આવ્યે જ્ઞાની કપાળમાં ચાંલ્લો કરી દેશે.
ઠામ ઠામ આત્મા જોવાય તો ઝેરનું અમૃત થઈ જાય. જ્ઞાની પાસે દીવો થયો છે. ઠામ ઠામ એક જ જોવાય ત્યાં નિધાન છે. દૃષ્ટિ તો ફેરવવી જ પડશે. તારી વારે વાર. દૃષ્ટિ ફરે તો હાલ, નહીં તો હજુ વાર છે.
જાગ્રત થઈ જાઓ; તૈયાર થઈ જાઓ; મરણિયા થઈ જાઓ. દૃષ્ટિ ફેરવી નાખો. નાશવંત જગતની માયામાંથી પ્રીતિ ઉઠાવી એક આત્મા ઉપર ભાવ, પ્રીતિ, પ્રેમ કરો.
મોહનિદ્રામાં આખું જગત સૂતું છે. તેમાંથી ગોદા મારીને જ્ઞાનીને તો તમને જગાડવા છે, હવે ઊંઘવા દેવા નથી. તમે આત્મા છો. જ્ઞાનીએ ઠામ ઠામ આત્મા જોયો છે. તેવો શુદ્ધ આત્મા તે મારો છે, તે હું છું; તેથી અન્ય તે હું નથી, તેથી અન્ય તે મારું નથી. એવો વિશ્વાસ કરી દો. આત્માનું માહાત્મ્ય સમજાયું નથી, તેથી આત્મા જોવાની દૃષ્ટિ થતી નથી. સત્સંગમાં બોધ જેમ જેમ સાંભળ સાંભળ કરશો તેમ તેમ સમજ આવશે. સમજણ આવ્યે દૃષ્ટિ ફરે.
સાંભળતાં પુણ્ય બંધાય છે. કરવા મંડી પડો તો કામ થઈ જાય. કાનમાં પડતાં પુણ્યના ઢગલા કમાણી થાય છે. પણ કરવા મંડી પડે તો કામ થઈ જાય.
દૃષ્ટિ તો ફેરવવી જ પડશે. અનંત જ્ઞાનીઓએ એમ જ કર્યું છે. તેમ કરીને જ મોક્ષે ગયા છે. ઠામ ઠામ ઝેરનું અમૃત કર્યું છે. તમારી વારે વાર છે. તૈયાર થઈ જાઓ. દૃષ્ટિ ફેરવાય તો હમણાં જ; નહીં તો હજુ વાર છે.
‘મારું, મારું' કરો છો તે કોને માટે ? એક સોય પણ તમારી સાથે નહીં આવે. સાડા ત્રણ હાથ જગામાં બાળી મૂકશે. તમારો તો આત્મા છે તેને ઓળખવા આ અવસર આવ્યો છે. માટે ચેતી જાઓ. તેને સંભાળો, તેના ઉપર ભાવ, પ્રેમ કરો. જ્યાં દૃષ્ટિ પડે ત્યાં એક એને જ આગળ જુઓ. એ જોનાર જાણનાર ન હોય તો બધાં મડદાં છે. ‘ચિત્રકૂટકે ઘાટ પર, ભયી સંતનકી ભીડ; તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org