________________
ઉપદેશસંગ્રહ-૩
૩૫૭
વિકલ્પ વડે કર્મની પ્રકૃતિને અનુસરીને કર્મના ઢગલા બાંધી નાખે છે. સત્સંગમાં—શીતળ શાંત મહાત્માની વિદ્યમાનતામાં—આત્માનો ભાવ, ઉપયોગ સંકલ્પવિકલ્પ તજી જ્ઞાનીનાં વચનમાં જોડાય, તેમાં લીન થાય ત્યાં કોટિ કર્મ ખપે છે.
આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! બીજા નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી છે, તેટલી પણ આત્મા માટે નથી. યુગલિયાનું સુખ, ચક્રવર્તીનું, ઇન્દ્રનું અને અહમિન્દ્રનું જે સુખ છે તે બધા કરતાં અનંતગણું સુખ સિદ્ધને એક સમયમાં છે. સિદ્ધ સમાન સર્વ આત્મા છે, પણ પોતાના સુખને પામવા કાળજી ક્યાં છે ? વિશ્વાસ, શ્રદ્ધા ક્યાં છે ?
કેટલાં બધાં પુણ્ય વધ્યાં ત્યારે મનુષ્યભવ મળ્યો છે ! તેથીય કેટલી બધી પુણ્યાઈ વઘી ત્યારે સત્પુરુષનો જોગ મળ્યો છે ! હવે દાવ આવ્યો છે, લાગ આવ્યો છે. જાગૃત થઈ જાઓ. પ્રમાદથી અનંત કમાણી હારી ન જાઓ. આત્માને ઓળખી લેવા પુરુષાર્થ કરો. દુર્લભ સત્સંગ સફળ કરી લો.
આત્માને ઓળખવા ગુરુગમ જોઈએ. દિવ્યચક્ષુથી આત્માની ઓળખ થાય. આ ચર્મચક્ષુથી તો આ મોતીભાઈ, આ માણેકભાઈ, આ ભાઈ, આ બાઈ, આ નાનો, આ મોટો, આ વાણિયો, આ બ્રાહ્મણ આદિ દેખાય છે. પણ દિવ્યચક્ષુ આવે છે તેને તો આ બધું જે દેખાય છે તે પુદ્ગલ, જડ દેખાય છે. તેને જોનાર-જાણનાર આત્મા બધામાં પ્રત્યક્ષ જુદો સૌથી પ્રથમ ભાસે છે.
હેડમાં પુરાયા છો. બંદીખાને પડચા છો. જેમ તેમ કાળ પૂરો કરો છો. બહુ દુ:ખ છે સંસારમાં. ત્યાં જો આત્મજ્ઞાન ન થયું તો દુ:ખ મટનાર નથી. માટે મળેલો જોગ સફળ કરવા જાગૃત થાઓ. મોહનિદ્રાને દૂર કરો. ઇંદ્રિયોરૂપી શત્રુઓને શત્રુ જાણી તેમનો પરાજય કરો.
જ્ઞાન, ધ્યાન તે આત્મા છે. વિચાર, ઘ્યાન તે આત્મા છે. સત્સંગમાં બોધ સંભળાય છે, ત્યાં જે લાભ થાય તે દેખાતો નથી. હમણાં હજાર બે હજાર રૂપિયાનો લાભ થાય તો તે દેખાય છે. એવા લાભ લેવા માટે જીવ દોડીને જાય. પણ અહીં કર્મો નાશ થઈ જાય, ભવ કપાઈ જાય, તેવી કમાણી છે તે દેખાતી નથી. એટલે જીવને સત્સંગ પ્રત્યે વિશ્વાસ, પ્રેમ, ઉલ્લાસ, અલૌકિક ભાવ આવતો નથી.
સંકલ્પ-વિકલ્પે ભૂંડું કર્યું છે. જરા વાર મન નવરું નથી. કર્મના ઢગલા બાંધ્યા કરે છે. કોઈ વેપારી હોય તે કાગળ લખે કે પચાસ માટલાં ગોળનાં મોકલજો, બસો પાંચસોનો અમુક માલ મોકલજો. એમ આખો કાગળ અમુક અમુક વસ્તુઓ મોકલજો એવા લખાણથી ભર્યો હોય; પણ છેલ્લી એક લીટી એમ લખે કે ઉપર લખેલી કોઈ ચીજ મોકલશો નહીં, તો ? આખો કાગળ લખેલો નકામો કર્યો. તેમ આ જીવ સંકલ્પ-વિકલ્પથી કર્મના ઢગલા બાંધ્યા કરે છે કે આમ કરું ને તેમ કરું. તેવામાં સત્સંગમાં સાંભળેલું એક વચન જો યાદ આવી જાય તો મન તે કલ્પનાઓ કરતું મોળું પડી જાય કે ઉદાસીન થઈ જાય. ત્યાં આત્મભાવ તરફ વળે તો આસ્રવમાં સંવર થાય. કમાણીના ઢગલા થઈ જાય. સત્સંગમાં સાંભળેલ બોધ એવી રીતે જીવને અપૂર્વ હિત કરનાર છે.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org