________________
ઉપદેશસંગ્રહ-૩
૩૪૫ વૈરાગ્ય વઘારવા યોગ્ય છે. રામચંદ્રજીએ વસિષ્ઠગુરુને કહ્યું કે આ સંસાર, ભોગ આદિ સર્વ પદાર્થો તે ત્રિવિધ તાપનાં કારણ હોવાથી તેથી મને શાંતિ થતી નથી. તે સર્વ જન્મમરણાદિ દુઃખનાં કારણ છે. સલ્લાંતિમાં આપ નિરંતર રહો છો; તેથી તે શાંતિમાં રહેવાની કોઈ કળા આપની પાસે છે તે બતાવો. નહીં બતાવો તો ખાવું-પીવું, હરવું-ફરવું, બોલવું-ચાલવું આદિ સર્વ પ્રવૃત્તિ હું બંઘ કરીશ. આ શ્વાસોચ્છવાસ પણ તેની મેળે પૂરા થઈ જશે. માટે મને શાંતિ થાય તે જ બતાવો તો કરું.
જોઈએ શું? તો કે આવો વૈરાગ્ય. જીવ હજુ ખપી ક્યાં થયો છે? ઇચ્છા ક્યાં છે? જીવે સમાગમ માન્યતા કરી છે. પણ હજુ તે માન્યતા યથાતથ્ય સાચી ક્યાં છે? શું માન્યું છે? શું માનવું છે ? એ માનવું બહુ મુશ્કેલ છે.
વૈરાગ્ય શાથી આવે ? પુરુષાર્થથી. પુરુષાર્થ કરે તો વૈરાગ્યને તેડવા જવું પડે નહીં. કોઈ જીવ આટલું એક જ વચન પકડી લઈ પુરુષાર્થ કર્યે જાય તો તેનું કામ થઈ જાય. પુરુષાર્થ કરો. પુરુષાર્થ કર્યો તે જ મોક્ષે ગયા છે. વૈરાગ્યથી જ મોક્ષે ગયા છે. વિષય-વિકાર લઈ કોઈ મોક્ષ ગયા નથી.
આટલો ભવ દેહ પડી જાય, ગમે તેમ થઈ જાય; પણ એ જ કરવું. ભવસ્થિતિ કે બીજી કોઈ કલ્પના કરવી નહીં.
મુમુક્ષુ–પુરુષાર્થ શું કરવો?
પ્રભુશ્રી–પુરુષાર્થ સત્ અને શીલ છે. સત્ એટલે આત્મા. આત્મા સંબંધી જ વાત, વિચાર, લક્ષ તે સત્. અને શીલ એટલે બ્રહ્મચર્ય.
બ્રહ્મચર્ય યથાર્થ તો જ્ઞાનીએ જ જાણ્યું છે. પરંતુ દ્રવ્ય પણ પળાશે તો તે મહા લાભનું કારણ છે. મન, વચન, કાયાથી પાળો. પાળનાર જાણતો નથી, પણ આપનાર સાચો જ્ઞાની છે તે જાણે છે, તેથી સુપ્રત્યાખ્યાન હોવાથી કામ થયા વિના રહેશે નહીં.
જ્ઞાનીનાં વચનોમાં આગમો સમાઈ જાય તેવો પરમાર્થ હોય છે. તેથી એક પણ વચન જ્ઞાનીનું પકડી લઈ કોઈ જીવ વર્યો જશે તો તેનું કલ્યાણ થશે.
મૂકવું પડશે. ત્યાગ-વૈરાગ્ય જોઈશે જ. મૂક્યા વગર કોઈ મોક્ષે ગયા નથી. કલ્પનાઓ, માન્યતાઓ મૂકવી પડશે.
ચક્રવર્તી વચન બોલે, વાસુદેવ વચન બોલે કે કોઈ રાજા વચન બોલે તે સી સીનાં પુણ્ય પ્રમાણે માન્ય કરાય છે–મહત્તા લાગે છે, સરખાં ગણાતાં નથી. તો જ્ઞાનીનાં વચન તો તેથી પણ અપૂર્વ માહાત્મવાળાં છે. માહાભ્ય લાગ્યું નથી. પ્રત્યક્ષ પુરુષનું સામાન્યપણું થઈ ગયું છે. કલ્પના થાય કે કંઈ તીર્થકરનાં વચન છે ? કંઈ ગણઘરનાં છે ? પણ તેની ખબર નથી; બધુંય છે. ગણધર શું, તીર્થકર શું, આત્મા શું, તે જાણ્યું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org