________________
ઉપદેશસંગ્રહ-૨
૩૩૩ સ્વર્ગનાં સુખ ભોગવાવી મનુષ્ય ભવ પ્રાપ્ત કરાવી મોક્ષનું કારણ બને છે. આ ભેદ અવશ્ય લક્ષમાં રાખી અલૌકિક દ્રષ્ટિથી દાન કર્તવ્ય છે.
+
અક્ષયતૃતીયા, સંવત ૧૯૮૩ માઘવજી શેઠ બધું મૂકીને ચાલી નીકળ્યા. નારના હરિભાઈનો દેહ પણ છૂટી ગયો. અને તમે આ બઘા ક્યાં બેસી રહેવાના છો ? માટે ચેતી લેવાનું છે. મનુષ્યદેહ મળવો દુર્લભ છે. ક્ષણમાં વિણસી જાય એવો દેહ છે. કશું સાથે આવવાનું નથી. આ ભવ ચિંતામણિ રત્ન જેવો છે. તેમાં તમારે તો જો સાચવો તો બ્રહ્મચર્યવ્રત આવ્યું છે તે મહાકલ્યાણનું કારણ છે. બાહ્યથી પણ સચવાય તો તેનું મહા ફળ છે. “જે ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે,’ એમ કહેવાય છે. આવી આવીને આગળ પડશે, પણ “હું-મારું હૃદયેથી ટાળ.” હવે કશું મારું કરવું નહીં. આત્મસ્વરૂપથી તો સર્વ ભિન્ન છે; તો હવે તે પરવસ્તુને પોતાની ન ગણવી—એ સમજ કામ કાઢી નાખે છે. રાગ-દ્વેષમાં ન આવવું. જે આવી પડે તે સમતાથી જોયા કરવું; તેમાં તણાઈ જવાય છે, તેમ ન થવા દેવું. મહાપુરુષો–ગજસુકુમાર આદિ–ને યાદ લાવી ખમીખૂંદતાં શીખવું. ક્રોઘ કરવો નહીં. ક્રોઘથી, કરેલાં પુણ્યનો, જપતપના ફળનો નાશ થાય છે. હવે, માત્ર પુણ્ય થશે એ આશાથી ક્રિયા કરવી તે કરતાં માત્ર જન્મમરણ કેમ છૂટે તેનો લક્ષ રાખવો. પુણ્ય કરીને પાછું તેને ભોગવવું પડે અને પુણ્ય ભોગવતાં તૃષ્ણાથી નવાં કર્મ બાંધી પરિભ્રમણ ને પરિભ્રમણ કર્યા કરવું પડે. તેની હવે ઇચ્છા પણ ન કરવી. હવે તો એ લક્ષે જ્ઞાન, ધ્યાન, વિચાર, સત્સંગ, સાસ્ત્રમાં વૃત્તિ રાખવી. જીવ વાંદરા જેવો છે. અને કર્મરૂપી મદારી તેને નચાવી રહ્યો છે તેમ તે નાચે છે. ખાવું પીવું, ઊંઘવું સુંઘવું, હરવું ફરવું બધું કર્મ, કર્મ ને કર્મ જ છે. એક ઘડી પણ ક્યારે તે ક્રિયા વિના રહ્યો ? ઊંઘમાં પણ ક્રિયા કર્યા જ કરે છે. તેવી ક્રિયામાંથી પાછું વાળી સ્મરણ, પાઠ વગેરેમાં મનને જોડવું.
આ વંચાય છે તેમાં કેવું આત્માનું સ્વરૂપ આવ્યું છે ! કોણ મરે છે ? આત્મા મરે છે ? ત્યારે હવે શાની ચિંતા ? આ બધું દેખાય છે તે બઘાનો તો વહેલોમોડો નાશ થવાનો છે. પારકું છે તે મૂક્યા વગર છૂટકો નથી; મેલવું પડશે–એવાં જ્ઞાનીપુરુષનાં વચન છે. પણ
“નિશ્ચય વાણી સાંભળી, સાઘન તજવાં નોય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” વ્યવહાર તજી શુષ્કજ્ઞાનીની પેઠે લૂખા ન થવું. સાદ્વાદ છે. ખેદ કર્તવ્ય નથી. ઉદાસ (અનાસક્ત) રહેવું; ઉદાસી (શોક) ન રાખવી, એટલે કે સમતા, નિર્લેપપણું, વૈરાગ્ય રાખવાં પણ શોક, ખેદ, હાયવોય કર્તવ્ય નથી.
સામાન્ય ગુણના છ બોલ છે તે મુખપાઠ કરી રાખવા. (૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ, (૬) પ્રદેશવત્વ–એ અનુપૂર્વી અને (૬) પ્રદેશવત્વ, (૫) અગુરુલઘુત્વ, (૪) પ્રમેયત્વ, (૩) દ્રવ્યત્વ, (૨) વસ્તુત્વ, (૧) અસ્તિત્વ–એ “પચ્છાનુપૂર્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org