________________
[૨૩]
નડિયાદ ચાતુર્માસ પૂરું થયા પછી શ્રી લલ્લુજી આદિ વીરમગામ જવા નીકળ્યા. શ્રી દેવકરણજી આદિ પણ વિરમગામ આવ્યા હતા. છયે સાધુ વીરમગામ રહી ભક્તિ, જ્ઞાન, વિચાર આદિમાં કાળ ગાળતા હતા. શેષ કાળ પૂરો થવાથી શ્રી મોહનલાલજી આદિ સાણંદ તરફ ગયા. તે જ રાત્રે શ્રીમદ્જી વીરમગામ પધાર્યા, અને ઉપાશ્રયમાં સમાગમ થયો. શ્રી આનંદઘનજી અને શ્રી દેવચંદ્રજીનાં સ્તવનો બોલ્યા પછી શ્રીમદ્જીએ “વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે' એ મહાવીર ભગવાનના સ્તવનના અર્થ કર્યા હતા. સવારે વનમાં ફરી સમાગમ થયો હતો. પછી શ્રીમદ્જી વવાણિયા તરફ પધાર્યા. અને શ્રી લલ્લુજી આદિ અમદાવાદ તરફ આવ્યા.
થોડા જ સમયમાં શ્રીમદ્જી વવાણિયાથી અમદાવાદ પધાર્યા. અને બહારની વાડી પાસેના નગરશેઠ પ્રેમાભાઈને બંગલે ઊતર્યા હતા. શ્રીમજી રાજપુરના દેરાસરે જવાના હોવાથી શ્રી લલ્લુજી આદિ મુનિઓને પણ ખબર આપી હતી. દેરાસરમાં છઠ્ઠા પદ્મપ્રભ પ્રભુજીનું સ્તવને પોતે બોલ્યા અને મૂળનાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં જે ભવ્ય ઘવલ પ્રતિમાજી છે તેની સમીપ જઈ શ્રીમદ્જી બોલ્યા, “દેવકરણજી, જુઓ, જુઓ આત્મા!' એટલે લલ્લુજી આદિ પ્રતિમાજી પાસે આગળ આવ્યા. શ્રીમજી બોલ્યા, “દિગંબર આચાર્યો નગ્ન રહ્યા માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા; અને શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર ધારણ કર્યા તેથી ભગવાનને આંગી, મુકુટ વગેરે ઘારણ કરાવ્યાં.” પછી દેરાસર બહાર પઘારી મુનિઓને ફરમાવ્યું, “મુનિઓ, બહાર વૃષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી. માટે અંતર્દ્રષ્ટિ કરો.”
અમદાવાદથી શ્રીમજી ઈડર તરફ પધાર્યા, અને શ્રી લલ્લુજી આદિ થોડા દિવસ પછી નરોડા તરફ વિચર્યા. ઈડરથી શ્રીમદ્જીનો પત્ર નરોડા આવ્યો કે પોતે નરોડે બીજે દિવસે ઊતરશે. અમદાવાદથી મુમુક્ષુ ભાઈઓ પણ નરોડે આવ્યા હતા. બાર વાગે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પધારવા શ્રીમદ્જીએ સમાચાર મોકલ્યા. મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચ્યા તેટલામાં શ્રીમદ્જી આદિ પણ ત્યાં રાહ જોતા ઊભા હતા. ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે” એમ બોલી શ્રીમદ્જી પોતાના જોડા (સ્લીપર) કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. સાઘુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા. પણ પોતે અકળાયા વગર, કંઈ તડકાની કાળજી કર્યા વિના, શાંતિથી ચાલતા હતા. ગામના લોકો પણ વાતો કરતા કે શ્રી દેવકરણજી મહારાજ જણાવતા હતા કે આ જ્ઞાની પુરુષ છે તે વાત સાચી છે.
વડ નીચે શ્રીમદ્જી બિરાજ્યા તેમની સામે છયે મુનિઓ નમસ્કાર કરીને બેઠા. શ્રીમદ્જીના પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં પણ પગ પર હાથ સુધ્ધાં ફેરવ્યો નહીં. શ્રી દેવકરણજી સામું જોઈ તે બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમશ્રેણિમાં આત્મા રહેવા ઇચ્છે છે.” શ્રી દેવકરણજીએ પ્રશ્ન કર્યો, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે ?” શ્રીમદ્જીએ જવાબ આપ્યો. “અંતે એ પણ મૂકવાની છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org