________________
[૨૨]
આ અરસામાં ભાઈશ્રી અંબાલાલ એક પત્રમાં સુંદર વિચારણા પ્રદર્શિત કરે છે ઃ—
“આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતાં, મહા મુનિઓ આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે :—
અસત્સંગ દૂર થશે; મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં આ પિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટ્યું, એ પરમ કૃપા શ્રી સદ્ગુરુની છે. હવે તો હે જીવ ! તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો—ચૌદ રાજલોક જેવડો થયો. ષડ્ દર્શન ઉપ૨ સમભાવ અને મૈત્રી રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળ્યો.
જેની વૃત્તિ અંદર આત્મભાવમાં ઊતરતી જાય છે તેને ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ કંઈ નડતાં જણાતાં નથી.....નિર્મળ એવું જળ ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઇચ્છતું નથી પણ સૂર્યની ગરમીના યોગે વરાળરૂપ થઈ, વાદળરૂપ થઈ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે. તેમ જ આપ જેવા મહા મુનિઓ સત્ એવા પરમ સ્વરૂપને જાણ્યાથી નિર્મળ જળરૂપ થઈ આખા જગતના હિતને માટે મારાપણું છોડી ગચ્છમતાદિની કલ્પનાથી રહિત થઈ આખા લોકને અમૃતમય કરવા વીતરાગભાવ સેવો છો !
....જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં ને ગચ્છમાં જ્ઞાની તેને ગણે છે. મિથ્યાત્વ ગયા પછી સમકિત પ્રાપ્ત થતાં તેને તે નાત, જાત, ટોળી, મત-ગચ્છમાં ગણ્યો; અને તેરમે ગુણઠાણે ગયો કે ચૌદમે છે તોપણ દેહધારીના ગચ્છમાં ગણાણો; પણ શુદ્ધ, નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ સિદ્ધસ્વરૂપ પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન, નિર્મળ થયો....'
તેમના બીજા પત્રમાં પણ હિમ્મતદાયક પ્રેરક લખાણ છે –
‘વિચારવાન જીવોએ એવો નિશ્ચય કર્યો છે કે આ જીવને કોઈ ક્ષયોપશમાદિ કારણથી કે પૂર્વોપાર્જિત કર્મોદયથી....માન-અપમાનાદિ કારણો મળે છે. અર્થાત્ શુદ્ધ આચરણથી, તપોબળથી, શાસ્ત્રજ્ઞાનથી, વિચારશક્તિથી, વૈરાગ્યાદિ કારણો ઇત્યાદિથી જે કંઈ પૂજ્યપણું પ્રાપ્ત થાય છે, સત્કારાદિ મળે છે તે સૌ પૂર્વોપાર્જિત પ્રારબ્ધોદયથી થાય છે. અને જે કંઈ અસમાધિ, ક્ષુધા, તૃષા, અપમાન, અસત્કાર ઇત્યાદિ પ્રાપ્ત થાય છે તે પણ પ્રારબ્ધોદયથી. એમાં આ જીવનું કર્તૃત્વ કંઈ નથી; માત્ર પૂર્વે બાંધેલાં એવાં શુભાશુભ કર્મનું જ તે ફળ છે; એમ જાણી વિચારવાન જીવો માનઅપમાનાદિ કારણોમાં સમવૃષ્ટિએ રહી આત્મસમાધિમાં પ્રવર્તે છે...
ભાઈશ્રી વેલસીભાઈ મુનિશ્રીની સેવામાં પર્યુષણ પર્વ ગાળવા માટે કાલે અહીંથી તે તરફ પધાર્યા છે.''
બે ચાર માસે મુનિસમાગમ કરતા રહેવા શ્રીમદ્જીએ મુમુક્ષુવર્ગને ભલામણ કરેલી હોવાથી અનુકૂલતાએ મુનિવરોના દર્શન-સમાગમાર્થે મુમુક્ષુઓ તેમની સમીપે જતા અને પત્રવ્યવહારથી પણ લાભ લેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org