________________
ઉપદેશસંગ્રહ-૨ સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ “સનાતન ઘર્મ.”
[‘તત્ત્વજ્ઞાન'માંથી “વચનાવલિ'માંથી વંચાવ્યું :] શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને યોગ્ય થવા માટે કહી છે; મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ.”
પ્રભુશ્રી એ એ. મુમુક્ષુ–પ્રત્યક્ષ એટલે?
પ્રભુશ્રી–આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરું ગણાવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ઘર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. કાગળ ઉપર “અગ્નિ' શબ્દ લખી કરોડો માણસ પોતપોતાની એવી ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે તેથી રૂ બળે ? પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક નાની ચિનગારી લાખો મણ રૂમાં પડી હોય તો તે બાળીને ભસ્મ કરી નાખે. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષયોપશમ હોય પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે; પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય તો પણ તે સાચા અગ્નિની પેઠે કોટિ કર્મનો ક્ષય કરી મોક્ષ આપે છે. - એક ડોશી હતી. તેણે રૂનું ગાડું ભરેલું દીઠું. તે તો ગાંડી થઈ ગઈ કે મારાથી રોજ પાશેર પૂણીઓ પણ કંતાતી નથી તો આટલું બધું ગાડું ભરેલું રૂ ક્યારે કાંતી રહીશ ? પછી એક ડાહ્યા માણસે તે ગાંડી થઈ ગયેલી ડોશીને કહ્યું કે ડોશીમા, ગાડામાં દેવતાનો તણખો પડ્યો તે બધું રૂ બળી ગયું. એટલે “હાશ' કરીને તે ભાનમાં આવી. આમ કર્મ ગમે તેટલાં હોય પણ તેથી ગભરાવું નહીં, ઘીરજથી સહેવાં.
“કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” તેમ જ્ઞાન થતાં તે કર્મના ભાર નથી કે તે જ્ઞાનની અગ્નિ આગળ ટકી શકે. સમજવા માટે અજ્ઞાનનું એક ખોટું દ્રષ્ટાંત દઉં છું. બધું સ્વપ્ના જેવું છે ત્યાં સાચું શું ?
વટામણ પાસે એક ગામ હતું. ત્યાં એક નથુ બાવો રહેતો હતો. અને તે જ ગામમાં એક નથુ દરજી પણ હતો. એક દિવસ તે નથુ બાવાએ “તારા નામ ઉપર ધૂ' એમ કહીને એક મોટા અમલદારનું અપમાન કર્યું. એટલે દરબાર તરફથી હુકમ નીકળ્યો કે નથુ બાવાને ફાંસીએ ચઢાવવો. પણ પેલો બાવો તો કયાંનો ક્યાંય જતો રહ્યો. રાજ છોડીને ગયેલાને કોણ પકડે ? પણ ગામના મુખી ઉપર દરબારનો હુકમ આવ્યો. તેનો ઉત્તર એમ લખ્યો કે બાવો તો જતો રહ્યો છે, તો ફરી હુકમ મળ્યો કે ગમે તે નથુને ફાંસીએ ચઢાવો. એટલે અંધેરી નગરીના ગંડુ રાજાની પેઠે બિચારા નથુ દરજીને વગર વાંકે ફાંસીએ ચઢાવેલો. આમ કોઈને બદલે કોઈ કુટાઈ મરે. કેળ વળુંધો એરંડો પાણી પીએ તેમ પણ બને છે. આ મોહનલાલજીની સેવામાં રહ્યો તો કૃપાળુની દયાથી અહીં આવવાનું બન્યું.
૧. ન બનવા જોગ બને તે અચ્છેરું, આશ્ચર્ય, નવાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org