________________
૨૫૦
ઉપદેશામૃત છે? ઘણાં મોઢે બોલે છે : “એ શાનો પરમકૃપાળુ દેવ ?' પણ એની જે દયા વર્તે છે તે અજબગજબ છે ! પૈસાથી, સોનાથી, રૂપાથી, મહેલથી કામ થશે નહીં. ઘણાં ભવ પૈસા મળ્યા; પણ અનંતા ભવ કરવા પડ્યા-નરકમાં જઈને આવ્યો, જન્મ-જરા-મરણ કર્યા તે ભોગવતો આવ્યો. જીવ કહો કે ચેતન કહો, એને આ વાત છે : “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?' આ વાત લક્ષમાં નથી. કેટલી ભૂલ છે ? આ જેવી તેવી વાત નથી. આટલો અવસર આવ્યો છે માટે વાત કહેવાય છે. આ કંઈ જેવો તેવો છે? કોઈ ભિખારીને ખાવું મળી આવે તો રાજી થાય, તેમ આ દેખાવ છે–આવું બની આવ્યું છે ! જુઓ ને બેઠા છે બધાય ! નિંદા નથી કરવી, ટક ટક સાંભળે છે. આ તો દીકરાની, બાઈની, મુકામની ફિકર; ઘન નથી એની ચિંતા. જગત આખું આશામાં છે–ભીખ, ભીખ અને ભીખ! તૃષ્ણા છે; તૃષ્ણા મટી નથી. કલ્પનાનો કોથળો ભરી બેઠો, ઇચ્છા જ કર્યા કરે છે. આ એના ઘંઘા છે ! કલ્પના, વિકલ્પ, માન-મોટાઈની ઇચ્છા; મનથી ક્રોઘ પણ આવી જાય. આપણું શું? ધિક્કાર પડ્યો! જ્ઞાનીને જુદું કહેવું છે. નાટક, સિનેમા વગેરે જોવાની રમૂજ છે એમ કરીને જોવા જાય. તેમાં તારા અવતારને ધિક્કાર પડ્યો ! કાલે ઘરડો થઈ જઈશ; કોઈ વચન સાંભળશે ય નહીં. ભૂંડું મોહે કરી નાખ્યું છે. બઘાય ઉપર મોહ; મહેલ, ઘરેણું, બાંયડી, છોકરાં ભાળે કે મોહ, મોહ ને મોહ જ ! આ બધું મેળવવાનું કરે પણ એ બધું તો ધૂળઘાણી ને રાખ પાણી! આવી ભાવનાઓ કરી અનર્થ કરી નાખ્યો. જે વસ્તુ ખરેખરી છે, જેની વાત કરવાની છે તે નહીં! વખાણ (વ્યાખ્યાન) સાંભળે માનાર્થે. સૌ માનના ભૂખ્યા. શેઠ તમે છો કે? આગળ બેસો. મોટા ખરા ને? એટલે આગળ બેસે; વાતોચીતો કરે. આ માને જ ભૂંડું કરી નાખ્યું છે, નહીં તો મોક્ષ અહીં જ છે. જ્ઞાની પુરુષોએ બહુ વાતો કરી છે. અમે બહુ વાતો કરેલી; જ્ઞાની હાથ આવી ગયેલા. આઠ નવ જણા સાધુ હતા. નાના મોટા બધા સરખા ન હોય. આ જગતમાં ચેતવાનું શું છે? કોઈને ખબર છે? શું છે? ડાહ્યા છો, કહો ને.
મુમુક્ષુ–એક સમ્યગ્દર્શન કરી લેવું.
પ્રભુશ્રી–ઠીક, એ. એની કોણ ના પાડી શકે? જીવને કરવાનું એ જ છે. બીજું છે શું? સાચું છે; સાચાને ખોટું કેમ કહેવું? કરવાનું એ જ છે. એના અત્યારે બહુ ભેદ પડ્યા છે. આ મેં માન્યું એ ખરું, આ નહીં. આ માન્યું એ ખરું? ઠાર ઠાર સૌ માની બેઠા. એવું થઈ ગયું છે. એની ખોજમાં કોઈ વિરલા ! તો કેમ હશે એ ?
મુમુક્ષુ ઘરનું સમકિત કરવાનું નથી. ભગવાનનું હોય તે જ કામનું છે. લોકો માને, પણ અનુભવ નહીં એટલે નામ સમકિત, ભાવ સમકિત નથી. સમકિત એમ નથી.
પ્રભુશ્રી—એ સુગમ છે. હમણાં આમ (દુર્ગમ) કહ્યું, અને આમ કેમ કે સુગમ છે? જ્ઞાનીનાં વચન કાઢી કેમ નંખાય? તમારી પાસે લાખો રૂપિયા હોય તોય સમકિત મળશે? ભાવ અને પરિણામથી મળશે. એ તમારી પાસે છે. નાનો મોટો જોવો નથી. ભાવ અને પરિણામમાં રહ્યું છે. એટલું તો ખરું કે કારણ વિના કાર્ય નહીં થાય-કારણ અને કાર્ય કહેવાય છે, ત્યાં થશે; નહીં તો નહીં થાય. એની ખામી છે. એ મેળવવું જોઈશે. એ શાથી મળે? પુરુષાર્થથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org